BHARUCHGUJARAT

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં ફાયર એન.ઓ.સી.અંગે તપાસ હાથ ધરાઈ

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૭/૦૬/૨૦૨૪

રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાડ બાદ રાજ્યના શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને ભરૂચ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એડ અને સ્વનિર્ભર શાળાઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી.

જેમાં કુલ ૧૩૯૩ શાળાઓની ચકાસણી દરમિયાન ૧૫૧ શાળાઓ ફાયર એનઓસી ધરાવે છે જ્યારે ૧૪ શાળાઓ ફાયર એનઓસી ન ધરાવતી હોવાનું બહાર આવ્યું હતું.

આ બાબતે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબેન રાઓલે જણાવ્યું હતું કે જે શાળાઓના બિલ્ડીંગ 9 મીટરથી ઓછી ઊંચાઈવાળા હોય છે તે શાળાઓએ શાળામાં ફાયર સેફટીના બધા જ સાધનો ઉપલબ્ધ છે અને કાર્યરત હાલતમાં છે તે પ્રકારનું સેલ્ફ ડિકલેરેશન આપવાનું હોય છે . ભરૂચ જિલ્લાની ૧૦૭૨ શાળાઓએ આ પ્રકારનું સેલ્ફ ડિકલેરેશન આપ્યું છે જ્યારે ૧૩૭ શાળાઓએ સેલ્ફ ડિકલેરેશન આપ્યું નથી. જે શાળાઓમાં ફાયર એન.ઓ.સી નથી કે જે શાળાઓએ સેલ્ફ ડિકલેરેશન આપ્યું નથી તે શાળાઓને સૂચના આપી અને સત્વરે ફાયર એન.ઓ.સી અંગે કાર્યવાહી કરવા અને ઓફિસમાં સેલ્ફ ડિકલેરેશન રજૂ કરવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!