AHAVADANG

ડાંગ: શામગહાન ખાતે રાજ્ય ધોરીમાર્ગ પરના જોખમી દબાણો ક્યારે દૂર થશે ? દુર્ઘટનાની દહેશતનો ભય

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં મુખ્ય પ્રવાસન સ્થળ સાપુતારાથી વઘઇને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા શામગહાન ગામમાં માર્ગની બન્ને બાજુએ દુકાનધારકો દ્વારા કરવામાં આવેલા અસહ્ય દબાણોને કારણે ગંભીર જોખમ ઊભુ થયુ છે.આ જોખમી દબાણો ક્યારેક પણ મોટી જાનહાનિ સર્જી શકે તેમ હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે.શામગહાન ગામમાંથી પસાર થતો આ રાજ્ય ધોરીમાર્ગ રાત દિવસ વ્યસ્ત રહે છે, અને માર્ગની બરાબર બાજુમાં જ દુકાનધારકોએ અડિંગો જમાવ્યો છે.માર્ગનું સ્વરૂપ ‘ઉતરાણ’ વાળું હોવાથી ભારે વાહનો પૂરપાટ વેગે અહીંથી પસાર થાય છે,જેના પરિણામે ઘણીવાર વાહનો બ્રેક ફેઈલ બની બેકાબુ બને છે.જેથી અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.વારંવાર મોટા માલવાહક ટ્રકો નિયંત્રણ ગુમાવીને આ દબાણવાળી દુકાનોમાં ઘૂસી જાય છે.અગાઉ થયેલા આવા અનેક અકસ્માતોમાં ઘણાં નિર્દોષ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.વાહનો ક્યારેક ડિવાઇડર સાથે ઝોલા ખાય છે તો ક્યારેક પલ્ટી મારીને માર્ગની બાજુમાં ધસી આવે છે.આ દબાણો જાણે કે કોઈ મોટી દુર્ઘટના માટેનું ‘મુહૂર્ત’ જોતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.આ દબાણોનું જોખમ માત્ર વાહનચાલકો કે દુકાનધારકો પૂરતું સીમિત નથી. નજીકમાં જ આવેલી પ્રાથમિક શાળાના અનેક બાળકો રોજેરોજ આ અતિ જોખમી દબાણો અને પૂરપાટ વાહનોની અવરજવર વચ્ચેથી પસાર થઈને શાળાએ જઈ રહ્યા છે. સહેજ પણ ચૂક થાય તો કોઈ પણ નિર્દોષ બાળક દુર્ઘટનાનો ભોગ બની શકે તેમ છે. આ પરિસ્થિતિથી વાલીઓ અને સ્થાનિકો માટે ભારે ચિંતાનો વિષય બની છે.વર્તમાનમાં, રાજ્ય ધોરી માર્ગ વિભાગ દ્વારા માર્ગની બન્ને બાજુએ ગટર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એક તરફ દબાણો દૂર કરવાને બદલે ગટર બનાવવામાં આવી રહી છે, જેના કારણે ભવિષ્યમાં જોખમ વધવાની સંભાવના છે. સ્થાનિકોને ડર છે કે જો દબાણો નહીં હટાવવામાં આવે તો વાહનો ગટર કૂદીને માર્ગની સાઈડમાં પલ્ટી મારીને મોટી દુર્ઘટના સર્જી શકે છે.હાલમાં જ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે પણ માર્ગ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ જ પેટર્ન પર, શામગહાન ખાતે પણ તાત્કાલિક ધોરણે તમામ જોખમી દબાણો દૂર કરવાની લોક માંગ ઉગ્ર બની છે.પ્રાંત અધિકારી અને રાજ્ય ધોરીમાર્ગ વિભાગ દ્વારા માનવ સંવેદના દાખવીને કોઈ મોટી ગમખ્વાર દુર્ઘટના ન ઘટે તે પહેલા જ આ દબાણો દૂર કરવા માટે નક્કર પગલા લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે..

Back to top button
error: Content is protected !!