
તા.૨૫.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:
લીમખેડાના પાણીયા પાસે અકસ્માત: બેસણામાં જઈ રહેલી મહિલાનું કરુણ મોત
બેસણામાં જતા પહેલાં જ કાળનો પંજો: દાહોદના પાણીયા પાસે અકસ્માતમાં મહિલાનું કરુણ મોત દાહોદમાં એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. બેસણાના કાર્યક્રમમાં જઈ રહેલી એક મહિલાને કાળ આંબી ગયો છે. મોરવા હડફના નાટાપુર ગામના વતની જયશ્રીબેન પટેલ પોતાના દાદાના બેસણામાં જઈ રહ્યા હતા, તે જ સમયે પાણીયા પાસે એક અજાણ્યા વાહને તેમને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માતની આ હૃદયદ્રાવક ઘટના દાહોદ પાસેના પાણીયા ગામ નજીક બની હતી. મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામે રહેતા જયશ્રીબેન કમલેશભાઈ પટેલ પોતાના પરિવારના સ્વજન અને દાદાના બેસણામાં હાજરી આપવા માટે રઈ બાર ગામે જઈ રહ્યા હતા. દરમિયાન પાણીયા પાસે પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે જયશ્રીબેનનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.દુર્ઘટનાની જાણ થતાં જ પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બેસણાના શોક વચ્ચે અચાનક બનેલી આ ઘટનાથી પરિજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનીય પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



