વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા૨૧ નવેમ્બર : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ( સરકાર માન્ય) ની કારોબારી સમિતીની બેઠક તા. ૨૫/૧૧/૨૦૨૪ ને સોમવારના રોજ ટાઉન હોલ, સેક્ટર નં. ૧૭, ગાંધીનગર ખાતે મળશે. રાજ્યસંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાનાર કારોબારીમાં તમામ જિલ્લા સંઘોના પ્રમુખ, મહામંત્રી, રાજ્યસંઘના સૌ નવનિયુક્ત હોદ્દેદારો, રાજ્ય પ્રતિનિધિઓ ઉપરાંત તાલુકા ઘટક સંઘના પ્રમુખ અને મહામંત્રી ઉપસ્થિત રહેશે. બેઠકમાં રાજ્યસંઘના નવા વરાયેલ હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ યોજાશે. જેમાં કચ્છ જિલ્લામાંથી તાજેતરમાં રાજ્યસંઘમાં કાર્યાધ્યક્ષ તરીકે વરાયેલ હરિસિંહ જાડેજા અને ઉપપ્રમુખ તરીકે વરાયેલ વિલાસબા જાડેજા શપથ ગ્રહણ કરશે. આ સાથે તા. ૧/૪/૨૦૦૫ પહેલા નોકરીમાં જોડાયેલ શિક્ષકો સહિતના કર્મચારીઓનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવતા રાજ્ય સરકાર તેમજ મંત્રીઓનો વિશેષ આભાર માનવા માટે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારના મંત્રીઓનું રાજ્યસંઘ દ્વારા આભાર સાથે ખાસ સન્માન કરવામાં આવશે. કારોબારી બેઠકમાં રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા વૃધ્ધિ માટે સંગઠનના પ્રયાસો, રાજ્યની મહિલા શિક્ષિકાઓ તથા વિદ્યાર્થીનીઓના શાળા કક્ષાએ ઉદભવતા પ્રશ્નો ઉપરાંત ચિત્રકૂટ એવોર્ડ – ૨૦૨૪ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે તેવું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા તથા મહામંત્રી કેરણાભાઈ આહિરની યાદીમાં જણાવાયું છે. કચ્છ જિલ્લામાંથી રાજ્ય અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો, રાજ્ય પ્રતિનિધિઓ ઉપરાંત તમામ તાલુકા સંઘના પ્રમુખ અને મહામંત્રી પણ આ કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેશે.