ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ – જિલ્લાની 47 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત બની

આણંદ – જિલ્લાની 47 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત બની

તાહિર મેમણ – આણંદ – 10/04/2025 – આણંદ જિલ્લામાં ટીબી મુક્ત અભિયાન અંતર્ગત ચલાવવામાં આવેલું 100 દિવસનું વિશેષ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. વર્ષ 2024માં જિલ્લાની 47 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત બની છે. આ આંકડો ગત વર્ષ 2023ની તુલનામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે, જ્યારે માત્ર 9 ગામો ટીબી મુક્ત હતા.

વિશેષ નોંધનીય છે કે અગાઉના વર્ષોમાં ટીબી મુક્ત બનેલા પાંચ ગામોએ ફરીથી આ સ્થિતિ જાળવી રાખી છે. જિલ્લા ક્ષય અધિકારી ડૉ. દીપક પરમારના જણાવ્યા મુજબ, કોઈપણ ખાંસી ટીબીનું લક્ષણ હોઈ શકે છે. નિયમિત અને સંપૂર્ણ સારવારથી ટીબી સંપૂર્ણપણે મટી શકે છે.

ટીબીના મુખ્ય લક્ષણોમાં બે અઠવાડિયાથી વધુ સમયની ઉધરસ, તાવ, ભૂખ ન લાગવી, વજન ઘટવું, રાત્રે પરસેવો થવો, ગળફામાં લોહી આવવું, છાતીમાં દુખાવો અને શારીરિક નબળાઈનો સમાવેશ થાય છે. આવા લક્ષણો જણાય તો તુરંત નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

ભારત સરકારની નિશ્ચય પોષણ સહાય યોજના હેઠળ ટીબીના દર્દીઓને માસિક રૂ. 1000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય સારવાર ચાલુ હોય ત્યાં સુધી મળે છે. વધુમાં, નિશ્ચય મિત્રો દ્વારા દર્દીઓને પોષણયુક્ત આહાર કીટ પણ પૂરી પાડવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!