શહેરા તાલુકાની 42 ગ્રામ પંચાયતમાં ચૂંટણીની ધમધમાટ: 49 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, સમર્થકોની ઉમટતી ભીડ
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાસન હેઠળ ચાલી રહેલી ગ્રામ પંચાયતો માટે આગામી 22 જૂને યોજાનારી સામાન્ય અને પેટા ચૂંટણીને લઈને ગામડાઓમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
શહેરા તાલુકાની કુલ 42 ગ્રામ પંચાયતો માટે યોજાનારી આ ચૂંટણીમાં સરપંચ તેમજ સભ્ય પદ માટે ઇચ્છુક ઉમેદવારો દ્વારા તૈયારી જોરશોરથી શરૂ કરવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ ભરવાના પાંચમા દિવસે શહેરાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે 49 ઉમેદવારોએ તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં વાહનો અને નારા સાથે હાજરી આપી હતી.
વિશ્વાસભર્યા માહોલ વચ્ચે ઉમેદવારોએ ચૂંટણી અધિકારીઓ સમક્ષ પોતાનું ફોર્મ દાખલ કરી જીતની આશા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 9 જૂન છે. તેથી આગામી દિવસોમાં પણ ફોર્મ ભરાવવા માટે ઉમેદવારોનો ઘસારો વધી શકે છે. તે જ સમયે કેટલીક ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીના કેટલાક વોર્ડમાં બિનહરીફ ચૂંટાઈ જવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે.