GUJARAT

કાલોલના ફતેપુરી ગામે વાવાઝોડા સાથે વરસાદી આફત: પતરાનું છાપરું પડતાં ૧૩ વર્ષની કિશોરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત.

તારીખ ૦૨/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકામાં ગત રાત્રે અચાનક બદલાયેલા હવામાન અને તીવ્ર વાવાઝોડા સાથે આવેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. કાલોલ તાલુકાની દેવચોટીયા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ફતેપુરી ગામે વાવાઝોડાના કારણે એક મકાનનું પતરાનું છાપરું તૂટી પડતાં એક ૧૩ વર્ષની કિશોરીને અતિ ગંભીર ઇજાઓ પહોંચી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે.દેવચોટીયા ગ્રામ પંચાયતના ફતેપુરી ગામે ગત તારીખ ૦૧/૦૬/૨૦૨૬ની રાત્રે ભારે વાવાઝોડું અને વરસાદ આવ્યો હતો. આ કુદરતી આફત દરમિયાન ગામના રહીશ જશીબેન ગણપતભાઈના મકાનને અડીને બનાવેલું પતરાનું ઢાળિયું/છાપરું અચાનક તૂટી પડ્યું હતું. આ સમયે ત્યાં હાજર ફતેપુરીના જ રહીશ સુરેશભાઈના ૧૩ વર્ષીય પુત્રી રાઠોડ ભાવનાબેન સુરેશભાઈ આ ભારેખમ છાપરા નીચે દબાઈ ગયા હતા. ઘટનાને પગલે કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ અને અગ્રણીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં તેઓએ પરિસ્થિતિ ની જાણકારી મેળવી ઘટતા પગલાં માટે ખાતરી આપી હતી.આ અકસ્માતમાં કિશોરી ભાવનાબેનને શરીરે અતિ ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.આ ઘટના અંગે દેવચોટીયાના તલાટી કમ મંત્રી દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરીને તારીખ ૦૨/૦૬/૨૦૨૬ના રોજ કાલોલના તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને, કાલોલના તાલુકા વિકાસ અધિકારીએ આ મામલે પંચમહાલ-ગોધરાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને ‘જાનમાલના નુકસાન અંગે’ સત્તાવાર અહેવાલ મોકલીને સમગ્ર પરિસ્થિતિથી અવગત કર્યા છે. આ રિપોર્ટની નકલ જિલ્લા કલેક્ટર (ડિઝાસ્ટર શાખા) અને કાલોલ મામલતદારને પણ જાણ સારું રવાના કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!