GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

અડાદરા ગામની શાળામાંથી ઘરે પરત ફરી રહેલી ૧૪ વર્ષની બાળકીને બાઇક ચાલકે ટક્કર મારી, અકસ્માત સર્જી ચાલક ફરાર.

 

તારીખ ૧૪/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના અડાદરા ગામે શાળાએથી ભણીને પગપાળા ઘરે પરત ફરી રહેલી ૧૪ વર્ષની સગીરાને એક પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા મોટરસાયકલ ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં સગીરાને મોઢા તેમજ જમણા પગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અંગે બાળકીની માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જનાર બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

મળતી માહિતી મુજબ, કાલોલ તાલુકાના અડાદરા ગામના મીરાપુરી બારીઆ ફળિયામાં રહેતા ધોળીબેન બાબુભાઈ પટેલીયાની ૧૪ વર્ષની પુત્રી કાજલબેન ગામની જ પ્રાથમિક શાળામાં ધોરણ-૭ માં અભ્યાસ કરે છે. ગત તારીખ ૧૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ બપોરે આશરે ૧૨:૦૦ વાગ્યે શાળા છૂટ્યા બાદ કાજલ ચાલતી-ચાલતી પોતાના ઘરે પરત આવી રહી હતી. બપોરે આશરે સાડા બાર વાગ્યાના સુમારે તે પોતાના ઘર નજીક હોળી પાસે પહોંચી, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા મોટરસાયકલ નંબર GJ.17.BP.5198 ના ચાલકે કાજલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી રોડ પર પછડાતા તેના જમણા પગે અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું.

અકસ્માત થતાં જ આસપાસ બુમાબુમ મચી ગઈ હતી, જેથી બાળકીની માતા ધોળીબેન અને પરિવારના અન્ય સભ્યો તાત્કાલિક દોડીને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માત બાદ બાઇક ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત કાજલને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચતા જ કાજલને તાકીદે સારવાર અર્થે ગોધરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.આ ઘટના અંગે બાળકીની માતા ધોળીબેન પટેલીયાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોટરસાયકલ નંબર GJ.17.BP.5198 ના ચાલક વિરુદ્ધ: ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૨૫(A) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪, ૧૮૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!