GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની દહેશત: 20 મહિનાની બાળકીની ગોધરા સિવિલમાં સારવાર, આરોગ્ય તંત્ર એક્શનમાં.

 

તારીખ ૧૮/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી નાના બાળકોમાં તાવ અને અચાનક તબિયત બગડવાના કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

ગત ગુરુવારે કાલોલ શહેરના અમન પાર્ક સોસાયટી સામે વીટકો કંપની પાસે રહેતા કાલોલ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ શકીલભાઈ વાઘેલાની 20 મહિનાની પૌત્રી ફાતિમા શાહબાઝ વાઘેલાને અચાનક ઊંચો તાવ આવતા તેને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હાલ ફાતિમાની શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો હેઠળ સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ પર ડોક્ટરો સત દેખરેખ રાખી રહ્યા છે.નોંધનીય છે કે કાલોલ પંથકમાં અગાઉ પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ચપેટમાં આવવાથી એક બાળકનું દુઃખદ અવસાન થયું હતું. જોકે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તાજેતરમાં વધુ એક બાળકને સમાન લક્ષણો સાથે સારવાર અર્થે દાખલ કરવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.અને આ અંગેની જાણકારી મળતા જ શુક્રવારના દિવસે કાલોલ આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું હતું. જ્યાં કાલોલ આરોગ્ય વિભાગના બ્લોક હેલ્થ ઓફિસર ડો. મિનેષ દોશીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે અને તાલુકા હેલ્થ ઓફિસરની ઉપસ્થિત વચ્ચે ટીમો દ્વારા અસરગ્રસ્ત ગોળીબાર વિસ્તાર અને આજુબાજુના વિસ્તારોમાં સઘન સર્વે હાથ ધરીને શંકાસ્પદ માંખી પકડી ને સેમ્પલ લેવામાં આવ્યા. તેમજ મચ્છર અને જંતુઓના ઉપદ્રવને રોકવા માટે વિસ્તારમાં કિટાણુનાશક પાવડરનો છંટકાવ અને ફોગિંગ-સ્પ્રેઈંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે બાળકોમાં અચાનક તાવ, ઝાડા-ઉલટી, બેભાન થવું, આંચકી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરે. ઘરની આજુબાજુ પાણી ભરાવા ન દેવું, મચ્છરોથી બચવાના પગલા લેવા અને સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ સર્વેલન્સ અને જનજાગૃતિની કામગીરી વધુ તેજ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!