GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બાકરોલ ખેતરમાં નીકળેલા મહાકાય અજગરનું દિલધડક રેસ્ક્યુ, સિદ્ધાંત જીવદયા ટીમની સમયસૂચકતાથી ટળી મોટી દુર્ઘટના.

તારીખ ૨૫/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના બાકરોલ ગામની સીમમાં ૧૧થી ૧૨ ફૂટ લાંબો મહાકાય અજગર આવી ચડતાં સ્થાનિકોમાં ભારે દહેશત અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, વન વિભાગ અને સ્થાનિક જીવદયા પ્રેમીઓની સમયસૂચકતાને કારણે અજગરનું સફળતાપૂર્વક સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, બાકરોલ ગામની સીમમાં આવેલા અજબસિંહ રામસિંહ ગોહિલના ખેતર અને ઘર નજીક રવિવારે સાંજના સમયે અચાનક એક વિશાળકાય અજગર દેખાયો હતો. આશરે ૧૧થી ૧૨ ફૂટ લાંબા અજગરને જોઈને ખેતર માલિક અને આસપાસના ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા. ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક સિદ્ધાંત જીવદયા ટીમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ સિદ્ધાંત જીવદયા ટીમની ટુકડી ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગના RFO દિનેશભાઈ ભાભોર તેમજ અશોકભાઈના માર્ગદર્શન અને સૂચના હેઠળ ટીમે અત્યંત સાવચેતી અને કુશળતાપૂર્વક રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. ભારે જહમત બાદ અજગરને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી પાડવામાં આવ્યો હતો.રેસ્ક્યુ બાદ આ મહાકાય અજગરને માનવ વસવાટથી દૂર તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરી દેવાયો હતો. સિદ્ધાંત જીવદયા ટીમની હિંમત, સતર્કતા અને વન વિભાગના સમયસરના માર્ગદર્શનના કારણે અજગરનો જીવ પણ બચ્યો હતો અને માનવ વસવાટ પર તોળાતું સંભવિત જોખમ પણ ટળ્યું હતું, જેને પગલે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

Back to top button
error: Content is protected !!