
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીને માર માર્યાનો કેસ નોંધાયો, ટ્રસ્ટી અને આચાર્ય સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
મોડાસા : મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ધોરણ- 8 માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થી સાથે મારપીટ કરવામાં આવી હોવાના આક્ષેપને લઈને મામલો હવે પોલીસ સુધી પહોંચ્યો છે. વિદ્યાર્થીના પિતાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા શાળાના ટ્રસ્ટી હરેશભાઈ પટેલ અને આચાર્ય ચંદ્રસેન પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, લુણાવાડાના રહેવાસી શીતલકુમાર નરેન્દ્રભાઈ દાઉદીયાના પુત્ર ધ્રુવીલ પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં હોસ્ટેલમાં રહી ધોરણ – 8 માં અભ્યાસ કરે છે.18 જુલાઈએ શાળામાંથી ફોન કરીને વિદ્યાર્થીએ ઇન્ટરનલ પરીક્ષાનું પેપર જોયું હોવાનો આક્ષેપ કરી વાલીઓને તાત્કાલિક શાળાએ બોલાવવામાં આવ્યા હતા.
વાલીઓના જણાવ્યા મુજબ, શાળાએ પહોંચતા વિદ્યાર્થી રડતી હાલતમાં મળ્યો હતો અને તેણે ટ્રસ્ટી હરેશભાઈ પટેલ તથા આચાર્ય ચંદ્રસેન પટેલે મોઢા પર અનેક લાફા માર્યા તેમજ પીવીસી પાઇપથી શરીરના પાછળના ભાગે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે વાલીઓએ શાળા સંચાલકોને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો અને વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીને ચક્કર આવતાં 112 પર જાણ કરવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં આવતા વિદ્યાર્થીના પિતાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વિદ્યાર્થીને ઇજા પહોંચાડવા, સંયુક્ત રીતે મારપીટ કરવા તથા અન્ય લાગુ પડતી જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલો હાલ તપાસ હેઠળ છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની હકીકત અને જવાબદારી અંગે સ્પષ્ટતા થશે.




