હાલોલની સરસ્વતી સ્કૂલ ખાતે બાળ સંસદની રચના અને શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૭.૨૦૨૬
વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ ક્ષમતા, જવાબદારીની ભાવના અને સામાજિક જાગૃતિનો વિકાસ થાય તે હેતુથી હાલોલના કણજરી રોડ પર આવેલ સરસ્વતી વિદ્યામંદિરમાં તા.18 જુલાઈ શનિવારના રોજ બાળ સંસદની રચના તથા શપથવિધિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. જેમાં શાળાના ટ્રસ્ટી તેમજ આચાર્ય હાજર રહ્યા હતા. શાળાના આચાર્યએ બાળ સંસદના હેતુ અને મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે આજના વિદ્યાર્થીઓ આવતીકાલના જવાબદાર નાગરિકો છે અને બાળ સંસદ દ્વારા તેઓમાં નેતૃત્વ, નિર્ણયક્ષમતા તથા સેવાભાવ જેવા ગુણોનો વિકાસ થાય છે.વિદ્યાર્થીઓમાં હેડ બોય અને હેડ ગર્લ માટે ભગોરા હર્ષ 176 વોટ થી અને પરમાર ક્રિષા 187 વોટ થી વિજેતા બન્યા હતા. તેમને તાજ પહેરાવી નિયુક્ત કર્યા હતા.ત્યારબાદ વિવિધ વિભાગો માટે ચૂંટાયેલા બાળમંત્રીમંડળના સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. બાળ મુખ્યમંત્રી સહિત વિવિધ મંત્રીઓને તેમની ફરજો અને જવાબદારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ શાળામાં સ્વચ્છતા, શિસ્ત, નિયમિત હાજરી, પર્યાવરણ સંરક્ષણ તેમજ ગુણવત્તાસભર શિક્ષણ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના શિક્ષકમંડળના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે સંપન્ન થયું હતું.અંતે આચાર્યએ બાળ સંસદના તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવી તેમની સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.









