BHARUCHGUJARAT

લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો:તબીબને ડિજિટલ અરેસ્ટ કરી CBI-RBI અને ટ્રાયના નામે ધમકી આપી ગઠિયાઓએ 14 લાખની ઠગાઈ આચરી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લામાં ડિજિટલ અરેસ્ટનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઇખર ગામમાં પ્રેક્ટિસ કરતા તબીબને મોબાઇલ પર વીડિયો કોલ કરી ડિજિટલ અરેસ્ટ ટેલિફોન રેગ્યુલેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( ટ્રાય), સીબીઆઇ તેમજ આરબીઆઇના અધિકારીઓ તરીકે ઓળખ આપી હતી. તેના 14 લાખ રૂપિયા 24 કલાકના વાયદે બીજા એકાઉન્ટમાં નખાવડાવી ઠગાઇ કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સાયબર ક્રાઈમે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ભારતમાં હાલમાં ડિજિટલ અરેસ્ટ કરીને સામેવાળા વ્યક્તિને ફોનથી જ ટોર્ચર અને વાતોમાં ભોળવી લાખો રૂપિયાની ભેજા બાજો ઠગાઈ કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ ભરૂચ જિલ્લામાં ડિજિટલ અરેસ્ટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ભરૂચના ટંકારિયા ગામમાં રહેતા અને ઇખર ગામે ખાનગી ડોક્ટરીની પ્રેક્ટિસ કરતાં બીએસ એએમ બશીરઅહેમદ ઇબ્રાહિમ મનમનના મોબાઇલ પર સપ્ટેમ્બર મહીનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો. જેમાં તેણે પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું તેમજ તે પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી.
જેમાં તેણે તબીબના આધારકાર્ડ પર જે મોબાઈલ નંબર ચાલુ તેની તમામ સેવાઓ બંધ થઈ જશે અને તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સીમકાર્ડનો નંબર કેનેરા બેન્કના એકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે. જેનાથી 6.80 કરોડ રૂપિયાની હેરાફેરી થઇ છે અને તેના બદલામાં તેમને 68 લાખ રુપિયા મળ્યાં છે. આ સાંભળતા જ તબીબ ગભરાઈ ગયા હતા. જેથી તેમને કોલ કરનાર વ્યક્તિને તમામ વિગતો આપી દીધી હતી. ત્યારબાદ તેણે હવે તમારી પર અંધેરી પૂર્વના સીબીઆઇ હેડ ક્વાટર્સ અધીકારી પ્રદિપ સાવંતનો કોલ આવશે તેમ કહી કોલ કાપી નાખ્યો હતો.
આ કોલ બાદ તબીબ પર વીડિયો કોલ આવ્યો હતો. જેમાં તેમની સાથે પોલીસ અધિકારીનો ડ્રેસ પહેરેલાં વ્યક્તિએ તેમને પોતે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનનો અધિકારી હોવાનું જણાવી તેમની ધરપકડની ધમકી આપી તેમને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. આ ઉપરાંત તેમનો ફોન જ્યારે પણ આવે ત્યારે ઉપાડી લેવાનો નહીં તો ધરપકડ કરશે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ તેના ખાતામાં કેટલાં રૂપિયા છે પુછતાં તેમણે 15 લાખ હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે પુન: ફોન કરી કેસની તપાસ ચાલું હોય 24 કલાક માટે તેમના ખાતામાંના રૂપિયા તેમણે આપેલાં ખાતા નંબરમાં જમા કરવા જણાવ્યું હતું. તેમજ તપાસ પૂરી થયેથી 24 કલાકમાં તેમના રૂપિયા પરત મળી જશે તે જણાવતાં તબીબે ડરના માર્યે કશુંય વિચાર્યા વગર તેમના ખાતાના 14 લાખ રૂપિયા સામેથી આપેલા ખાતાના નાખી આપ્યા હતા. જોકે, ઘણો સમય વીતી જતાં પોતાના રૂપિયા ખાતામાં પરત નહીં આવતા ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતાં તેમણે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સામેથી ફોન કરનાર વ્યક્તિ પોલીસ અધિકારી જેવો ડ્રેસ પહેરી પોતે અધિકારી હોવાનો દાવો કરી સામેવાળાને ડરાવી ધમકાવી કહે છે કે, તમારું આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટ મની લોન્ડરિંગ અથવા ડ્રગ સ્મગલિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે. આમ કરીને સામેવાળા વ્યક્તિને ફસાવી તેમની પાસેથી તેમના એકાઉન્ટ સહિતની તમામ વિગતો મેળવી લેતા હોય છે. જોકે, વિક્ટિમ કાનૂની કાર્યવાહી અને સમાજમાં શરમ વિશે વિચારીને પરેશાન થઈ જાય છે અને કંઈપણ કરી શકતો નથી. આ તકનો લાભ ઉઠાવી ઠગાઈબાજો તેમની પાસેથી કેસ પતાવવા અથવા તો તપાસ દરમિયાન લિંક ખોલાવી તેમના એકાઉન્ટ ખાલી કરી દેતા હોય છે. ત્યારે આવા ફ્રોડથી બચવા હમેશા સતર્ક રહેવું જોઈએ અને કઈ પણ લાગે સાયબર ક્રાઈમ પોલીસમાં જાણ કરવી જોઈએ.

Back to top button
error: Content is protected !!