કાલોલમાં જમીન વિવાદમાં જૂની અદાવતે ધીંગાણું: સામસામે હુમલો થતાં ૮ ઈસમો સામે સામસામી ફરિયાદ.

તારીખ ૨૨/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલમાં જમીન વિવાદમાં જૂની અદાવતે ધીંગાણું: સામસામે હુમલો થતાં ૮ ઈસમો સામે સામસામી ફરિયાદ
કાલોલ તા ૨૨/૦૭/૨૬
કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર ફાયર બ્રિગેડ ઓફિસ નજીક ધરમપુરીની જમીન બાબતે ચાલી આવતી જૂની અદાવત અને કોર્ટ કેસનું મનદુખ રાખી બે જૂથ વચ્ચે જૂથ અથડામણ અને મારામારીની ઘટના સામે આવી છે. આ મામલે કાલોલ પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે કુલ ૮ ઈસમો સામે ક્રોસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાહુલકુમાર કંચનભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પિતા કંચનભાઈ શાકભાજી વેચી રહ્યા હતા ત્યારે અશોકભાઈ ભાઈલાલભાઈ પટેલ, નીલકુમાર અરૂણભાઈ પટેલ, રાજેશભાઈ ભાઈલાલભાઈ પટેલ અને શંકરભાઈ ભીખાભાઈ પટેલે જમીન કેસની અદાવતમાં ગાળો આપી”ધરમપુરી ગામે આવેલ જમીન અમારી છે, છતાં તમે અમારી ઉપર કેસ કેમ કરેલ છે?” તેમ કહી બોલાચાલી કરી હતી અને ઉશ્કેરાઈને કંચનભાઈ પર લાકડી વડે હુમલો કરી દીધો હતો. કંચનભાઈ, તેમના પુત્ર તરલ અને ભત્રીજા નિલેશ પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામે પક્ષે નીલકુમાર અરૂણભાઈ પટેલે નોંધાવેલી ક્રોસ ફરિયાદ મુજબ, તેઓ તથા તેમના મામા અશોકભાઈ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે કંચનભાઈ અંબાલાલ પટેલ અને તરલ કંચનભાઈ પટેલે બોલાચાલી કરી હતી. ત્યારબાદ ફોન કરીને બોલાવાયેલા નિલેશ રમેશભાઈ પટેલ અને રાહુલ કંચનભાઈ પટેલે આવીને લાકડીઓ વડે હુમલો કરી, ગળું દબાવી તેમજ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ઘટનામાં બંને પક્ષના ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાલોલ પોલીસે બંને પક્ષના મળી કુલ ૮ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.







