ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જાણીતી બેકરી અને મીઠાઈની દુકાનોને રૂ. ૫૦,૦૦૦નો દંડ ફટકારાયો 

આણંદ જાણીતી બેકરી અને મીઠાઈની દુકાનોને રૂ. ૫૦,૦૦૦નો દંડ ફટકારાયો

તાહિર મેમણ – આણંદ – 03/08/2026 – કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાના ધોરણો જળવાઈ રહે તે હેતુથી વિવિધ ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

મનપાપાની આ ઝુંબેશ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત ખાદ્ય એકમોમાં સ્વચ્છતાના ધોરણો અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે કેમ તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જાણીતા એકમોમાં ગંભીર બેદરકારી સામે આવતા મનપાના આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

 

આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન બેકરીમાં વેચાણ માટે રાખવામાં આવેલ કેક પર મેન્યુફેક્ચરિંગ તારીખ દર્શાવવામાં આવી ન હોવાનું માલૂમ પડ્યું હતું, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, ખાદ્ય પદાર્થો બનાવતા અને પીરસતા કર્મચારીઓ પાસે કાયદેસરના હેલ્થ સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ ન હતા. તપાસણી દરમિયાન સ્થળ પર ગંભીર અસ્વચ્છતા અને સ્વચ્છતાના નિયમોનો સરેઆમ ભંગ થતો જણાઈ આવતા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

આ કામગીરી દરમિયાન શહેરના ચાર મોટા એકમો પાસેથી કુલ રૂ. ૫૦,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જેમાં સુખડિયા સ્વીટ એન્ડ ફરસાણ (ખંભાતવાળા) માંથી સૌથી વધુ રૂ. ૨૫,૦૦૦નો દંડ વસૂલાયો છે, જ્યારે સિલ્વર ડ્રેગન ચાઈનીઝ અને કભી બી (Kabhi B) પાસેથી રૂ. ૧૦,૦૦૦-૧૦,૦૦૦નો દંડ લેવામાં આવ્યો છે. આ સાથે જ ડાંગી ડમ્સ (Dangee Dums) નામના એકમ પાસેથી પણ નિયમોના ઉલ્લંઘન બદલ રૂ. ૫,૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો છે.

 

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ખાણીપીણીના એકમોને સ્પષ્ટ જણાવ્યું છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ આ તપાસ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે જેથી શહેરના તમામ નાના-મોટા ખાદ્ય એકમો સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું અચૂક પાલન કરે. મનપાના આરોગ્ય તંત્ર દ્વારા તમામ ખાદ્ય એકમોના વેપારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓએ નિયમ મુજબની ખાદ્ય સામગ્રી ઉપર તારીખો દર્શાવવી અને કર્મચારીઓની સ્વાસ્થ્ય તપાસણી નિયમિતપણે કરાવી તેના પ્રમાણપત્રો રાખવા અનિવાર્ય છે.

Back to top button
error: Content is protected !!