નિયમોનો ભંગ કરતાં 6 રિક્ષાચાલકો સામે કાર્યવાહી, રૂા. 60 હજારનો દંડ ફટકારાયો
સમીર પટેલ, ભરૂચ
ક્ષમતા કરતાં વધુ મુસાફરો ફિટનેસ, વીમો, પીયુસી અને લાઇસન્સ ન હતાં
ભરૂચ આરટીઓ વિભાગની ટીમે ઝાડેશ્વર, શ્રવણ, ચોકડી અને મનુબર ચોકડી વિસ્તારમાં તપાસ કરી નિયમોને નેવે મૂકતાં 6 રીક્ષા ચાલકોને 60 હજારનો દંડ ફટકારી રીક્ષા કબજે લીધી છે. ભરૂચ શહેરી વિસ્તારમાં ટ્રાફિક નિયમોને નેવે મૂકી કેટલાક રિક્ષા ચાલકો રિક્ષાની ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડી મુસાફરી કરાવી રહ્યા છે. બાળકોને પણ શાળાએ લઈ જતી રીક્ષા પણ વધુ કમાણી કરવા માટે જીવના જોખમે બાળકોને લઈ જતા નજરે પડ્યા હતા. આવા સમયે અકસ્માત થવાની શક્યતા વધુ હોય છે. ત્યારે ટ્રાફિક નિયમોનું પાલન નહિં કરનાર રિક્ષા ચાલકોને પકડવા માટે ભરૂચ આરટીઓ વિભાગે કવાયત હાથ ધરી હતી.
જેમાં બુધવારે વહેલી સવારથી ઝાડેશ્વર, શ્રવણ, ચોકડી અને મનુબર ચોકડી વિસ્તારમાં તપાસ ચાલુ કરી હતી. દરમિયાન 6 રીક્ષા ચાલકોએ ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડયા હતા. ચાર રિક્ષા ચાલકો પાસે ફિટનેસ,વિમો, પીયુસી અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા પુરાવા પણ નહીં હોવાના કારણે કુલ મળી 60 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. છ રિક્ષાને આરટીઓ કચેરી ખાતે લઈ જવામાં આવી હતી. આ તમામ રિક્ષા ચાલકો આરટીઓ વિભાગે આપેલ મેમો કોર્ટમાં ભર્યા બાદ ચાલકને રિક્ષા પરત આપવામાં આવશે.