વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા ,તા-૨૭ સપ્ટેમ્બર : “કૃષક સ્વર્ણ સમૃદ્ધિ અઠવાડિયું” અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સાડાઉ, મુન્દ્રા દ્વારા વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી, કોઠારા ખાતે કિશાન શિબિર યોજાઇ હતી.
આ શિબિરમાં ભાગ લેનાર ખેડૂતોને ફિલ્ડ વિઝીટ દ્વારા, કેન્દ્ર મુકામે ચાલતા પ્રયોગ, શુષ્ક વિસ્તારના અલ્પ વપરાશી અને ઉપેક્ષીત પાકો જેવા કે, ખાટી આંબલી અને કોઠા(કોંટ) વિશે વિસ્તૃત સમજણ પુરી પાડવામાં આવી હતી. કેન્દ્ર ખાતે વિકસીત કરવામાં આવેલ ખાટી આંબલીના કાતરા ફોલવાનું મશીન, બીજ કાઢવાના ઓજાર, ઘન જીવામૃત દળવાનું મશીન, દિવેલા ફોલવાનું મશીન, જીવામૃતના પ્લાન્ટ, વર્મીવોશ યુનિટ, સેંદ્રિય પ્રવાહી ખાતર પ્લાન્ટ, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, વેસ્ટ ડિકમ્પોઝર યુનિટ, બાયોચાર અને Bio Enzyme બનાવવાની રીત તેની ઉપયોગીતા અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. કેન્દ્રની મુલાકાત બાદ યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રના વડા ડૉ દિનેશભાઇ પટેલે તાલુકાના ખેડૂત ભાઈઓ અને મહિલાઓને તેમના હસ્તક ચાલતી વિવિધ યોજનાઓ અંગે વિસ્તારથી સમજણ આપી હતી. આ સાથે ખેડૂતોને જમીન અને પાણીના નમૂનાની ચકાસણી કરાવવા, કૃષિ વિષયક માર્ગદર્શન તેમજ નિદર્શનોનો લાભ લેવા માટે પણ અપીલ કરી હતી. પશુ ચિકિત્સક અને નિષ્ણાંત ડૉ. લાલાણીએ પશુઓની કાળજી, ઉછેર, રસીકરણ અને પશુઓના રોગ નિવારણ માટે દેશી અને રાસાયણિક ઉપચારો વિશે ઊંડાણ પૂર્વંક માર્ગદર્શન આપ્યું હતું. તાલુકા લાઈવલીહુડ મેનેજર રમીલાબેન પરમારે મહિલાઓ માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ, સખીમંડળ અને તેના લાભો તેમજ તાલુકાની મહિલાઓની સફળતા વિશે વિસ્તારથી વાત કરી હતી.
આ કાર્યક્રમમાં શ્રી રમેશભાઈ પટેલ, શિવજીભાઈ સીજુ કોઠારા, લધારામભાઈ પટેલ, જેરામભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઓસમાનભાઈ બકાલી, અમિતભાઇ પટેલ, પ્રકાશભાઈ રંગાણી કાર્યક્રમના ચર્ચા સત્રમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શ્રી નિલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.