AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના નકટિયાહનવત ગામમાં ભૂમિ પોષણનો કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) દ્વારા પ્રેરિત નોન-વોટર સેટ પ્રોજેક્ટ અંતર્ગત તારીખ ૨૯ જાન્યુઆરીના રોજ ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં સમાવિષ્ટ નકટિયાહનવત ગામમાં ભૂમિ પોષણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની શરૂઆત ખેતરની માટી, ગામના કુવાઓનું પાણી, પરંપરાગત સ્થાનિક બીજોની પૂજા અને ભારતીય ગો વંશના ગોબરની પૂજાથી કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતો સાથે ખેતરમાં કામ કરતા બળદોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જમીનની ગુણવત્તા સુધારવા અને સ્વસ્થ કૃષિ ઉત્પાદન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.

મારુતિ ગ્રામ વિકાસ સમિતિ નકટીયાહનવત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડૉ.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટના પ્રકલ્પ નિર્દેશક શ્રી નરેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, દેશનું સ્વાસ્થ્ય ખેડૂતોના હાથમાં છે.  શુદ્ધ અને સ્વસ્થ ખોરાક ઉત્પન્ન કરવા માટે ખેતીલાયક જમીનનું પોષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઝેરી રસાયણો ધરાવતી કૃષિ પેદાશો માનવીના સ્વાસ્થય માટે ખતરો ઉભો કરી શકે છે.

કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. પ્રતિક જાવિયાએ ખેડૂતોને માટી પરીક્ષણનું મહત્વ સમજાવી, માટીના નમૂના લેવાની પ્રક્રિયા અંગે ટેકનિકલ માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં તમામ ખેડૂતોએ પોતાની કૃષિ ભૂમિને સુપોષિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં મારુતિ ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી રોહિદાસ, ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટના કાર્યકરો શ્રી છગન ભાઈ, સુ.શ્રી વિકિતા બેન સહિત પ્રોજેક્ટ વિસ્તારના કુલ ૧૨૫ થી વધુ ખેડૂતોએ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!