નવસારીની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સામે 10 વર્ષનો સંઘર્ષ લડનાર ડો. મનોજ કહારને મોટી કાનૂની જીત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારીની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સામે લાંબી લડત બાદ હાઈકોર્ટના ચુકાદાને પગલે ₹7.80 લાખમાં સમાધાન
નવસારીની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં કર્મચારીઓના હક્કો અને કાયદેસર લાભો માટે લાંબા સમયથી અવાજ ઉઠાવી રહેલા પાર્ટ ટાઈમ પેથોલોજિસ્ટ ડો. મનોજ કહારની લાંબી કાનૂની લડતનો અંત આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ રેડક્રોસ સોસાયટી દ્વારા ડો. કહારને ₹7.80 લાખ ચૂકવી સમાધાન કરવાની સંમતિ આપવામાં આવી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.
પ્રેસનોટ મુજબ ડો. મનોજ કહાર વર્ષ 1998થી નવસારી સ્થિત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં પાર્ટ ટાઈમ પેથોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા. સંસ્થામાંથી તેમને કોઈપણ પ્રકારની ચાર્જશીટ આપ્યા વિના તથા કાયદાકીય જોગવાઈ મુજબ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના ડિરેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ ડો. કહારે કર્મચારીઓના હક્કો માટે અવાજ ઉઠાવી સ્ટાફને યોગ્ય પગાર, ગ્રેજ્યુઇટી અને પ્રોવિડન્ટ ફંડ સહિતના કાયદેસર લાભોથી વંચિત રાખવામાં આવતા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મામલે શ્રમ અદાલત, પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર તથા સંયુક્ત ચેરિટી કમિશનર સમક્ષ કાર્યવાહી કરવામાં આવી હતી.
લાંબી કાનૂની લડત બાદ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ LPA-100/2016ના કેસમાં ડિવિઝન બેન્ચ સમક્ષ સમાધાનની પ્રક્રિયા આગળ વધી હતી. હાઈકોર્ટની સૂચના બાદ ડો. કહારે રેડક્રોસના હિતને ધ્યાનમાં રાખીને ₹7.80 લાખમાં સમાધાન માટે તૈયારી દર્શાવી હતી. અંતે રેડક્રોસના વહીવટકર્તાઓએ આ રકમ ચૂકવી સમાધાન કરવાની સંમતિ આપી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.
લગભગ દસ વર્ષ સુધી ચાલેલી આ લડતને ડો. મનોજ કહારે આત્મસન્માન અને કર્મચારીઓના હક્કોની લડત તરીકે આગળ ધપાવી હતી. તેમના જણાવ્યા મુજબ આ લડાઈ માત્ર નાણાકીય વળતર માટે નહીં, પરંતુ સંસ્થામાં કર્મચારીઓને તેમના કાયદેસર હક્કો મળે તે હેતુથી લડવામાં આવી હતી.
તસવીર- પ્રતિકાત્મક


