વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
વિવિધ સરકારી વિભાગ અંતર્ગત ચાલતા વિકાસ કામોની સમીક્ષા સાથે સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા સાંસદશ્રી દ્વારા તાકીદ કરાઇ
ભુજ,તા-30 નવેમ્બર : સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે ધારાસભ્યો સર્વશ્રી તથા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી(દિશા)ની બેઠક મળી હતી. આ રીવ્યૂ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચાલતા વિકાસ કામોની સમીક્ષા સાથે તેને સમય મર્યાદામાં ત્વરાએ પૂર્ણ કરવા સાંસદશ્રી દ્વારા સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજની બેઠકમાં નેશનલ હાઇવે, એરપોર્ટે ઓથોરીટી, પોસ્ટ ઓફીસ, રાષ્ટ્રીય સામાજિક સહાય( સુરક્ષા) કાર્યક્રમ, સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ, પ્રધાનમંત્રી ફસલબીમા યોજના, નેશનલ હેલ્થ મિશન, ડીજીટલ ભારત-સીએસસી, સર્વ શિક્ષા અભિયાન, સ્કીલ ઇન્ડીયા, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, સુર્યઘર યોજના, સંકલિત બાળ વિકાસ યોજના, રેલવે ઇન્ફ્રા પ્રોજેકટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ટેલીકોમ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી એકટ, ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન ખાણ ખનીજ શાખા, રાષ્ટ્રીય ગ્રામીણ પીવાના પાણીનો કાર્યક્રમ, સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, કૃષિ સિંચાઇ યોજના, નેશનલ હેલ્થ મિશન, મીડ ડે મિલ સ્કીમ, દિન દયાલ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય જમીન રેકોર્ડ આધુનિકરણ કાર્યક્રમ વગેરે સહિતની વિવિધ યોજના હેઠળ ચાલતા વિકાસ કામોનું સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.આજની બેઠકમાં સાંસદશ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા તથા ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઇ પટેલ, પ્રધુમ્નસિંહ જાડેજા, અનિરુધ્ધભાઇ દવે દ્વારા અધિકારીશ્રીઓએ રજૂ કરેલી વિગતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તથા તે કામને સંલગ્ન સૂચનો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ધારાસભ્યોશ્રીઓ દ્વારા પોતાના વિસ્તારને લગતા મુદા રજૂ કરીને જે તે વિભાગ પાસેથી તે અંગેના કામો અંગે માહિતી મેળવાઇ હતી.આ પ્રસંગે સાંસદશ્રી વિનોદ ચાવડાએ આ બેઠકને મહત્વપૂર્ણ હોવાનું જણાવીને પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સુચનોને અધિકારીશ્રીઓ દ્વારા ધ્યાને લઇને ત્વરીત નિકાલ કરવા તથા પ્રગતિ હેઠળના કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. સાંસદશ્રીએ ખાસ કરીને પી.એમ વિશ્વકર્મા યોજના, પી.એમ.સુર્યઘર યોજના, નમોલક્ષ્મી યોજના સહિતની મહત્વપૂર્ણ યોજનાઓના પ્રસાર-પ્રસાર સાથે લાભાર્થીઓ સુધી તેની પહોંચ વધારવા પર ભાર મૂક્યો હતો. સ્વચ્છતાના સંદર્ભમાં પંચાયતકક્ષાએ પરીણામલક્ષી કામગીરી કરાવવા ખાસ સૂચના આપી હતી. ઉપરાંત કચ્છમાં રેલવેના ચાલતા વિવિધ પ્રોજેકટની સમીક્ષા કરીને તેને લગતા પ્રશ્નોનો ત્વરાએ નિવેડો લાવવા જણાવ્યું હતું. આ સાથે ભુજ શહેરનો ટ્રાફીક સંતુલિત કરવા પ્રસ્તાવિત બાયપાસ રોડના કામો તથા પ્રગતિ હેઠળના રોડના કામને ગતિ આપવા સંલગ્ન વિભાગને જણાવ્યું હતું. એર કનેકટીવીટી તથા નવા સૂચિત પ્રોજેકટ સંદર્ભમાં ચર્ચા કરીને ભવિષ્યમાં પ્રવાસીઓને વધુ સુવિધા મળી રહે તે માટેના આયોજન અંગે ખાસ ચર્ચા કરી હતી. બારોઇ-મુંદરાના બંધ બોરોનો સર્વે કરીને રીપોર્ટ સોંપવા સહિતના બેઠકમાં વિધ કેન્દ્રકૃત યોજનાઓ અને ક્ષેત્રોમાં થયેલી કામગીરીની સાંસદશ્રીએ વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે કલેકટરશ્રી અમિત અરોરાએ વિવિધ વિભાગ હેઠળ થતા વિકાસકામો જનપ્રતિનિધિઓ સાથે સંકલન અને સહયોગમાં રહીને કરવા સાથે સરકારી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જન જન સુધી સુખાકારીના કામો સુચારૂ રીતે થાય તે બાબતે અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.આજની બેઠકમાં ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ દ્વારા ભુજ-ખાવડા રોડના ટોલનાકા, ભુજનો ટ્રાફીક ઘટાડવા નવા બાયપાસ રસ્તા, રેલવેને સંલગ્ન ખેડૂતોના તથા રસ્તાના પ્રશ્નઅંગેની રજૂઆત કરીને આ દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા જણાવ્યું હતું. ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઇ દવે દ્વારા કચ્છના પ્રવેશદ્વારના બે ટોલનાકાનો પ્રશ્ન, પાસપોર્ટ કેન્દ્ર, ગામડાની ગટરલાઇનની સફાઇ સંદર્ભમાં મશીનરી વ્યવસ્થા, માંડવી તથા મુંદરામાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેકટ, ગ્રામીણ વિસ્તારમાં બેંકની શાખાઓ શરૂ કરવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્યશ્રી પ્રધુમ્નસિંહ જાડેજાએ પોસ્ટ ઓફીસ, પુલના કામ, એરપોર્ટ ઓથોરીટીના સીએસઆરના કામ, રેલવે વિભાગના પ્રોજેકટ સંદર્ભમા અન્ડર બ્રિજમાં ભરાતા પાણી તથા કેટલીક જગ્યાએ પાણી અવરોધના સર્જાતા પ્રશ્નો, આંગણવાડી કેન્દ્રો, આધારકાર્ડ, કચરાના નિકાલ, વાસ્મો, સર્વ શિક્ષા અભિયાન, સિંચાઇ, અમૃત સરોવર, આવાસ યોજના, મનરેગા યોજના સહિતના પ્રશ્નો રજૂ કરીને તેનો તત્કાલ નિકાલ કરવા રજૂઆત કરી હતી. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ દ્વારા ગ્રામ વિકાસ વિભાગ હેઠળની આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, દિન દયાલ અંત્યોદય યોજના હેઠળની કામગીરી અંગે પ્રેઝન્ટેશન આપી પૂર્ણ કામો, નવા લક્ષ્યાંક તથા પ્રગતિશિલ કામોની છણાવટ કરીને પદાધિકારીશ્રીઓને માહિતી વાકેફ કર્યા હતા. આજરોજ મળેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડ્યા, જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.