જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે વેજલપુરમાં વિકાસનું નવું સોપાન, ઉર્દુ શાળાથી રોહિતવાસ તરફના 5 લાખના નાળાનું ખાતમુહૂર્ત.

તારીખ ૩૦/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે વિકાસના કાર્યોને વેગ આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વેજલપુર ગામમાં આવેલ ઉર્દૂ શાળાથી રોહિતવાસ તરફ જતા રસ્તા પર સ્થાનિકોની લાંબા સમયની માંગણીને ધ્યાને રાખીને, અંદાજે રૂપિયા ૫ લાખના ખર્ચે નવનિર્માણ પામનારા નાળાનું ખાતમુહૂર્ત આજ રોજ વિધિપૂર્વક સંપન્ન થયું છે.આ ખાતમુહૂર્ત વિધિ નવનિયુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખ નિરજકુમાર પટેલ ના વરદ હસ્તે કરવામાં આવી હતી. રસ્તાની એક બાજુ આવેલ ઉર્દૂ શાળામાં અંદાજીત ૧૦૦૦ જેટલા બાળકો અભ્યાસ કરતા હોય, નાળાની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને અવરજવર દરમિયાન મુશ્કેલીઓ પડતી હતી. વરસાદી માહોલમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હતો.આ નાળાનું કામ પૂર્ણ થયા બાદ ભોઈવાડા, રોહિતવાસ અને જોડીયાકુવા સહિતના વિસ્તારોના લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે. વરસાદી દિવસોમાં પાણી ભરાવાના કારણે સર્જાતી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને સ્થાનિક રહેવાસીઓને સરળતાથી અવરજવર કરી શકાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ પ્રસંગે ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી સભ્યો અને સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ચોમાસા દરમિયાન કે સામાન્ય દિવસોમાં આ માર્ગ પર પાણી ભરાઈ જવાની કે અવરજવરમાં પડતી મુશ્કેલીઓનો હવે કાયમી ઉકેલ આવશે. આ વિકાસ કાર્ય બદલ સ્થાનિક રહીશો અને રોહિતવાસના નાગરિકોએ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ સ્થાનિક વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.







