સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વાંસદા ખાતે કવિ સંમેલન યોજાયું.
પ્રિતેશ પટેલ . વાંસદા
વાત્સલ્યમ્ સમાચાર
અત્રેની કોલેજમાં ૧૯ જુલાઈ ૨૦૨૪ ના રોજ જ્ઞાનધારા અંતર્ગત “વરસાદનાં વધામણાં” વિષય ઉપર કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ અને સરકારી શિક્ષણ મહાવિદ્યાલય વાંસદા તથા સાહિત્ય સેતુ ના સયુંકત ઉપક્રમે આ કવિ સંમેલનનું સુગમ આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડૉ. વાય. જે. મિસ્ત્રી સાહેબ અને આચાર્ય શ્રી ડૉ. દિલીપભાઈ ગામીતના માર્ગદર્શન અને અધ્યક્ષપણા હેઠળ તેમજ શ્રી, ડી.આઈ.પટેલ(નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીશ્રી,વાંસદા)ની વિશેષ ઉપસ્થિતિમાં વર્ષાઋતુના આગમન ટાણે યોજાયેલા આ કવિ સંમેલનમાં પૂર્વ જીલ્લા શિક્ષણાધિકારી અને સાહિત્ય સેતુના પ્રમુખશ્રી નૈષધભાઈ મકવાણા સહિત સાહિત્ય સેતુના મંત્રી શ્રીમતી ડૉ. ગીતાબેન મકવાણા, કવિશ્રી ચંદ્રસિંહ ચૌધરી, અનિલભાઈ મકવાણા,રાજેશભાઈ પટેલ અને ઊર્મિબેન ભટ્ટ તેમજ અનેક કવિ મિત્રો પોતાની રચના સાથે ઉપસ્થિત રહી સુંદર વરસાદી ગીતની રમઝટ બોલાવી હતી. કોલેજના આચાર્ય શ્રી દ્વારા કાર્યક્રમના મંચને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. માં પ્રકૃતિ અને માં શારદેના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના અને કોલેજ ગીત સાથે કાર્યક્રમના વિષયને અનુરૂપ વરસાદને લગતા સ્વરચિત કાવ્યોની પ્રસ્તુતિ થઇ હતી. બી.એડ કોલેજના આચાર્યશ્રી. અને તાલીમાર્થીઓ દ્વારા પણ સ્વરચિત રચનાઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. પ્રમુખશ્રી નૈષધભાઈ મકવાણા દ્વારા કવિ કાવ્યગત પ્રેરણા આપી કવિ મંચ ને સંભાળ્યો હતો. સમગ્ર વાતાવરણ પ્રકૃતિમય બન્યું હતું.પધારેલ મહેમાનો અને દરેક કવિમિત્રોને તુલસી છોડ અને પ્રોત્સાહન રૂપે રઈશ મનીઆરનું પુસ્તક ‘ગઝલનું છંદોવિધાન’ ભેટ આપવામાં આવેલ.. કોલેજના વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓ અને આધ્યાપકોએ મળીને કુલ ૧૬૭ સદસ્યની ઉપસ્થિતિ રહી “વરસાદનાં વધામણાં કવિ સંમેલન ને સાર્થક બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્ઞાનધારાના અધ્યક્ષ ડૉ.પ્રીતીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અને સપ્તધારા પ્રકલ્પના અધ્યક્ષ ડૉ.કૈલાસબેન ચૌધરી દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી અને અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પુર્ણાહૂતિ કરવામાં આવી હતી.