
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – ડામોરઢૂંઢા તળાવમાં માછલીઓના એકાએક મોત, ઝેરી પદાર્થ નાખ્યાની આશંકાએ ગ્રામજનોમાં ચિંતા

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ડામોરઢૂંઢા ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના એકાએક મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. તળાવમાં મૃત હાલતમાં તરતી માછલીઓ જોવા મળતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ ગામમાં થતાં મોટી સંખ્યામાં લોકો તળાવ પાસે દોડી આવ્યા હતા અને ઘટનાને લઈ અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા.સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવમાં માત્ર માછલીઓ જ નહીં પરંતુ કેટલાક દેડકાંઓ પણ મૃત હાલતમાં જોવા મળ્યા હતા.જેના કારણે પાણીમાં કોઈ ઝેરી રસાયણ કે અન્ય હાનિકારક પદાર્થ ભેળવવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે અગાઉ તળાવમાં આવી ઘટના ક્યારેય બની નથી, જેથી મામલાની ગંભીરતાથી તપાસ થવી જરૂરી છે.
ઘટનાની જાણ થતાં ડામોરઢૂંઢા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તાત્કાલિક સંબંધિત વિભાગ અને વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. માછલીઓના મોત પાછળનું સાચું કારણ તપાસ બાદ જ સામે આવશે.ગ્રામજનોનું માનવું છે કે જો ખરેખર તળાવના પાણીમાં કોઈ ઝેરી પદાર્થ નાખવામાં આવ્યો હોય તો તે માત્ર જળચર જીવસૃષ્ટિ માટે જ નહીં પરંતુ પશુઓ અને આસપાસના પર્યાવરણ માટે પણ ખતરારૂપ બની શકે છે. તેથી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે.હાલ સમગ્ર મામલે તંત્રની તપાસ બાદ જ માછલીઓ અને દેડકાંઓના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. જોકે, ઘટનાએ ગ્રામજનોમાં ચિંતા અને રોષની લાગણી જન્માવી છે અને લોકો તંત્ર પાસેથી વહેલી તકે સત્ય બહાર લાવવાની અપેક્ષા રાખી રહ્યા છે.




