ભરૂચ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની સારી ચાલચલગતના લીધે 14 વર્ષે જેલમુક્ત કરાયો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને 14 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ સારી વર્તણુકના લીધે આજરોજ જેલમુક્ત કરવામાં આવ્યો હતો.કેદીની જેલમુક્તિ થતા પરિવાર જનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ભરૂચ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી ભરૂચ જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી નંબર 34031 વિજય રમેશભાઈ વસાવાનાઓને વર્ષ 2008માં તેના જ પરિવારના કાકા પુત્ર સાથે થયેલી મારામારીમાં પોતાના સ્વબચાવમાં ચપ્પુ વડે હુમલો કરતા સામે વાળા વ્યક્તિનું ગંભીર ઇજાઓ પહોચતા મોત નીપજ્યું હતું.જેનો કેસ ભરૂચ નામદાર કોર્ટમાં ચાલી જતા વિજય વસાવાને કોર્ટે કસૂરવાર ઠેરવીને 2009 માં આજીવન કેદની સજા ફટકારી હતી.જેમાં તેને ભરૂચ જિલ્લા જેલમાં 14 વર્ષ વધુ સમય સજા ભોગવી હોય તેઓની વર્તણુક સારી હતી.
સરકારએ બાકીની સજા માફ કરવાનો આદેશ કર્યો જેથી સરકારના નક્કી કરેલા ધારાધોરણો મુજબ પાત્રતા ધરાવતા હોય બી.એન.એસ.એસ.ની કલમ- 473 મુજબ મજકુર કેદીની વહેલી જેલમુક્તિ માટે જેલ અધિક્ષક અને અધિકારીઓના અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતીના સભ્યો તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મેળવી સજા ભોગવી રહેલા કેદીની વહેલી જેલમુક્તિ માટે સરકારમાં દરખાસ્ત મોકલી આપી હતી.જેમાં સરકાર એ બાકીની સજા માફ કરીને વહેલી જેલમુક્તિ નો આદેશ કર્યો હતો. જેના અનુસંધાને આજ રોજ ભરૂચ જિલ્લા જેલના ઈન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડ અને જેલ અધિકારીઓની ઉપસ્થિતમાં જેલ મુકત કરીને સારા અને ઉજજવળ ભવિષ્યની કામના સાથે વિદાય આપી હતી.
વિજય વસાવા નવા જીવનની શરૂઆત કરનાર છે વિજય વસાવા જેલ મુકત થતા પરીવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો,પરીવારજનો સાથે મુલાકાત થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.આ અંગે વિજય વસાવાએ જણાવ્યું હતું કે,જેલમાં રહીને પણ તેણે કોમ્પ્યુટર, દરજી કામ અને હાથ વણાટ સહિતની પ્રવૃત્તિઓ શીખી હવે નવા જીવનની શરૂઆત કરી સરકાર અને જેલ પ્રસાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.