વલસાડ જિલ્લાના પારડીના સુખેશ ગામમાં ખેડૂતોને તાડપત્રી અને ઈલેકટ્રીક પંખા વિતરણનો કાર્યક્રમ યોજાયો
વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ
યોજનાનો લાભ લેનાર ખેડૂતોએ અન્ય ખેડૂતો પણ યોજનાકીય લાભથી વંચિત ન રહે તેવા પ્રયાસ કરવા જરૂરીઃ તાલુકા પંચાયત પ્રમુખ
વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત ખેતીવાડી શાખા દ્વારા ટ્રાયબલ સબ પ્લાન ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ખેડૂતોને તાડપત્રી અને પંખા વિતરણ કરવાનો કાર્યક્રમ પારડીના સુખેશ ગામે પારડી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દક્ષેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશભાઈ પટેલે ખેડૂતોને સંબોધીને જણાવ્યું કે, આજે જે ખેડૂતોને લાભ મળ્યો છે તે ખેડૂતોએ પોતાના ગામના કે ફળિયાના વંચિત ખેડૂતોને પણ આ યોજના હેઠળ તાડપત્રી અને ઈલેકટ્રીક પંખાનો લાભ મળે તે માટે પ્રયાસ કરવાના રહેશે. જેથી ‘‘સૌનો સાથ, સૌનો વિકાસ’’નું સૂત્ર ખરા અર્થમાં સાર્થક થઈ શકે. જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયાએ લાભાર્થીઓને યોજનાની માહિતી આપી હતી. જેમાં જણાવ્યું કે, જિલ્લામાં કુલ ૩૦૦ તાડપત્રી અને ૧૦૦ ઈલેકટ્રીક પંખાનું વિતરણ ખેડૂતોને કરવામાં આવનાર છે. આજે આ કાર્યક્રમમાં ૧૦૦ ખેડૂતોએ લાભ મેળવ્યો છે. ઈલેક્ટ્રીક પંખો રૂ. ૯૦૯૫નો હોય છે પરંતુ લાભાર્થી પાસે માત્ર રૂ. ૨૫૭૪ લેવાના થાય છે. જ્યારે તાડપત્રીના રૂ. ૨૮૯૮ થાય છે પરંતુ લાભાર્થી પાસે માત્ર રૂ. ૮૨૪ લેવાના થાય છે. ખેડૂતોને તાડપત્રી અને ઈલે. પંખાથી પાકની જાળવણી અને સાફ સફાઈ કરવી સરળ બનશે.
સ્વાગત પ્રવચન ગ્રામ સેવક ભાવિનભાઈ પટેલે અને આભારવિધિ વિસ્તરણ અધિકારી જયમીન ટંડેલે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે પારડીના મદદનીશ ખેતી નિયામક તેજલ પટેલ અને પારડીના વિસ્તરણ અધિકારી (ખેતી) ધીરૂભાઈ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.