BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના નાનાસાંજા નજીક ત્રી પાંખીયા અકસ્માતમાં સ્કુટર સવાર માતા પુત્રને ગંભીર ઇજા

ઝઘડિયા તાલુકાના નાનાસાંજા નજીક ત્રી પાંખીયા અકસ્માતમાં સ્કુટર સવાર માતા પુત્રને ગંભીર ઇજા

ભરૂચ ખાતે રહેતા માતા પુત્ર એક્ટિવા સ્કુટર લઇને ઝઘડિયાથી પરત ઘરે જઇ રહ્યા હતા ત્યારે બે ટ્રકોએ અકસ્માત સર્જયો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર અકસ્માતોની સંખ્યામાં હવે તો મોટો વધારો થઇ રહ્યો છે. દર બે ત્રણ દિવસે એકાદ અકસ્માતની ઘટના જોવા મળે છે,ત્યારે ગતરોજ તા.૨૫ મીના રોજ તાલુકાના નાનાસાંજા ગામ નજીક બે ટ્રક ચાલકોએ સર્જેલા અકસ્માતમાં ભરૂચના માતા પુત્ર ગંભીર રીતે ઘવાયા હતા. મળતી વિગતો મુજબ ભરૂચ ખાતે રહેતો મહંમદ નાઝીલ ફિરોઝ કડીવાલા નામનો યુવાન ગતરોજ તેની માતા ફરીદાબેન સાથે ઝઘડિયા ગામે દરગાહે આવ્યો હતો. તેઓ ત્યારબાદ ઝઘડિયા ખાતેથી તેમના એકટિવા સ્કુટર પર પરત ઘરે જઇ રહ્યા હતા ત્યારે તે દરમિયાન બપોરના ચાર વાગ્યાના અરસામાં નાનાસાંજા ગામ નજીક એક હાઇવા ટ્રકના ચાલકે તેમના સ્કુટરને પાછળથી ટક્કર મારતા એકટિવા સવાર માતા પુત્ર બન્ને એકટિવા સાથે નીચે પડી ગયા હતા,તે દરમિયાન મુલદ તરફથી આવતી એક ટ્રકનું વ્હિલ ફરીદાબેનના હાથ પર ચઢી ગયું હતું. આ અકસ્માતમાં માતા પુત્ર બન્નેને ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત બાદ બન્ને ટ્રકોના ચાલકો ઘટના સ્થળેથી નાશી ગયા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતાં ઝઘડિયાના ઉમલ્લાના પત્રકાર અબ્દુલકાદિર ખત્રી ઉભા રહ્યા હતા અને ઇજાગ્રસ્ત માતા પુત્રને ભરૂચ ખાતે સારવાર માટે પહોંચાડ્યા હતા. અકસ્માતની ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસે અકસ્માત સર્જી નાશી ગયેલ બન્ને ટ્રકોના ચાલકો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી. ઝઘડિયા તાલુકામાં છાસવારે સર્જાતા અકસ્માતોમાં આ ત્રી પાંખીયા અકસ્માતની ઘટનાને લઇને અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહી હતી.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!