વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ તા. ૨૦ : કચ્છના શિક્ષક અગ્રણી હરિસિંહ જાડેજાની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં મહત્વના એવા કાર્યાધ્યક્ષ પદે વરણી થયા બાદ રાજ્યસંઘમાં વધુ એક હોદ્દો કરછને ફાળવાયો છે. ભુજ તાલુકાની મિરઝાપર ગૃપ શાળામાં એચ. ટાટ આચાર્ય તરીકે ફરજ બજાવતા વિલાસબા જાડેજાની રાજ્યસંઘમાં ઉપપ્રમુખ પદે વરણી કરાઈ છે. રાજ્યસંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી જૈમિન પટેલ દ્વારા આ નિમણૂક કરવામાં આવી છે. તેઓ બીજી વખત કચ્છ જિલ્લાનું રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. આ અગાઉ તેઓ રાજ્ય સંગઠનમાં એક ટર્મ મંત્રી તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. ભુજ તાલુકા મહિલા સમિતિના અધ્યક્ષ એવા વિલાસબા જાડેજા વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા મહિલા શિક્ષિકાઓને એકજૂટ રાખતા આવ્યા છે. તેમની રાજ્યસંઘમાં ઉપપ્રમુખ પદે થયેલ વરણીને રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા , મંત્રી કેરણા આહિર, કાર્યાઘ્યક્ષ હરદેવસિંહ જાડેજા, ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભુજ યુનિટના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, મંત્રી મેહુલ જોષી, ગણેશ કોલી, કાંતિ સુથાર સહિતનાઓએ આવકારી છે.