CHIKHLIGUJARATNAVSARI

ચીખલી પોલીસની ટીમે દારૂનો જથ્થાં ભરેલ આઇસર ટેમ્પા સહિત રૂ.26.92 મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો….

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન દેગામ ખાતે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે આઇસર ટેમ્પોમાં સંતાડેલો દારૂ-બિયરના જથ્થા સહિત કુલ રૂ.26.92 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.

પોલીસને મળેલી બાતમીના આધારે દેગામ રેલવે ટ્રેકવાળા ઓવરબ્રિજના ઉત્તર છેડે, મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડ પર મેટ્રો હોટલ સામે વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. દરમિયાન કથ્થઈ રંગનો આઇસર ટેમ્પો નંબર MH-48-AG-3329 શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે તપાસ કરી હતી.

ટેમ્પોમાં કુલ 269 પઠ્ઠાના બોક્સમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કીની બોટલો તથા ટીન બિયર મળી કુલ 7,056 નંગ, 3,144 લીટર જથ્થો મળી આવ્યો હતો. તેની કિંમત રૂ.16,89,120 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

પોલીસે દારૂના જથ્થા સાથે આશરે રૂ.10 લાખની કિંમતનો આઇસર ટેમ્પો તથા આરોપીની અંગઝડતીમાંથી એક એન્ડ્રોઇડ મોબાઇલ મળી કુલ રૂ.26,92,120નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કાર્યવાહીમાં સત્યમ સ/o ભાગચંદ્ર રામસેવક પ્રજાપતિ (ઉં.વ.23), હાલ દમણ ખાતે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની,ને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે દારૂ ભરેલો ટેમ્પો આપનાર તથા તેનું પાયલોટિંગ કરનાર શકુલાભાઈ, વડોદરા ખાતે દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિ તેમજ ટેમ્પોના હાલના માલિક સહિતના આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116(2), 81 અને 98(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. પટેલીયાના માર્ગદર્શન હેઠળ PSI આર.એન. વાડલે તથા ચીખલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે કરી હતી. પોલીસ દ્વારા દારૂના જથ્થાના સપ્લાયર અને મંગાવનાર સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!