સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા સનેસડામાં “વૃક્ષારોપણ કાર્યક્રમ” યોજાયો
22 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વૃક્ષો ધરાનું આભૂષણ છે. વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદૂષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી સર્જાતાં હાલમાં ચિંતાનો વિષય બન્યો છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખૂબ અનિવાર્ય બની ગયું છે. વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે. વૃક્ષોના જતનથી વૃક્ષારોપણનું જે ઉમદા કાર્ય છે જે હેતુને સિદ્ધ કરવા માટે વર્તમાન સમયમાં દરેક નાગરિક વૃક્ષારોપણ કરી ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરે તો પણ પર્યાવરણીય સમસ્યાનું સમાધાન આવી શકે છે. સરકારી માધ્યમિક શાળા સનેસડાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ બાળકોને વૃક્ષારોપણના મહત્વ બાબતમાં સમજાવવામાં આવ્યું. ત્યારબાદ ધોરણ પ્રમાણે ગ્રુપ બનાવીને અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવ્યા. લીમડા, કણજી,બોરસલી,મહેંદી, જામફળી, જેટ્રોફા,રેડમચિલા,નીલગીરી, કાશિદ,બદામ, ચંપા,મોગરા,જાસૂદ, ગુલમહોર, ક્રિસમસ ટ્રી, કોટન, આમળાં, લિંબુડી, બોગનવેલ વગેરે જેવા આશરે 200 થી પણ વધારે ફૂલ – છોડ વાવવામાં આવ્યા. બાળકોએ ઉત્સાહભેર વૃક્ષોનું વાવેતર કર્યું સાથે સાથે વૃક્ષોની સારસંભાળ અને માવજત કરવાની પ્રતિજ્ઞા પણ લીધી. વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ શ્રી અમરતજી વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો શાળાના ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો હતો. શાળાના સારસ્વત સ્ટાફગણે ખૂબ જ જહેમત ઉઠાવી, સાથ સહકાર આપી વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ક્ષણે શાળાના આચાર્યશ્રી કે. કે. પટેલ (વર્ગ-૨) સાહેબે ઉત્તમ કાર્ય બદલ સમગ્ર બાળકોને અને સ્ટાફને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.



