શહેરા તાલુકાના લાભી ગામ નજીકથી ગેરકાયદેસર મહુડાના લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ: રૂ. 4.20 લાખનો મુદ્દામાલ જપ્ત

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા ખાતે આવેલ વન વિભાગના આર.એફ.ઓ. વી. જી. ગઢવી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરા રાઉન્ડના ફોરેસ્ટ સ્ટાફ દ્વારા લાભી ગામે નાકાબંધી હાથ ધરવામાં આવી હતી. આ નાકાબંધી દરમિયાન સાંજે 6:30 કલાકે લાભી રોડ પરથી પસાર થતી શંકાસ્પદ ટ્રક (નંબર GJ 06 Y 8481)ને રોકીને તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં અનામત મહુડાના લાકડા ભરેલા મળી આવ્યા હતા. સ્ટાફ દ્વારા વહન માટે જરૂરી પાસ-પરમિટ અંગે પૂછપરછ કરાતા ચાલક કે જવાબદાર વ્યક્તિ કોઈ પણ પ્રકારના આધાર-પુરાવા રજૂ કરી શક્યા ન હતા.પાસ-પરમિટ વગર ગેરકાયદેસર રીતે મહુડાના લાકડાની હેરાફેરી થતી હોવાનું જણાતા વન વિભાગે ટ્રક તથા અનામત લાકડા સહિત કુલ રૂ. 4,20,000/- નો મુદ્દામાલ જપ્ત કરીને અટકાયતમાં લીધો હતો. આ સમગ્ર જપ્ત કરાયેલ મુદ્દામાલને વધુ કાયદેસરની તપાસ અને કાર્યવાહી અર્થે શહેરા રેન્જ કમ્પાઉન્ડ ખાતે સરકાર હસ્તક જમા કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં રાઉન્ડ ફોરેસ્ટર એસ. બી. માલીવાડ, વનરક્ષક બી. એન. રાવલ તથા ડી. એસ. પટેલીયા (કા. રો. શેખપુર) સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.






