ગૂજરાત વિદ્યાપીઠ અને ‘શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ,નવી દિલ્હી’ના સંયુક્ત ઉપક્રમે ‘જ્ઞાનકુંભ-૨૦૨૪’ દ્વિદિવસીય જ્ઞાનગોષ્ઠીનું આયોજન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
શિક્ષણનું લક્ષ્ય સમગ્ર જીવનનો વિકાસ, વ્યક્તિત્વને પૂર્ણ નિખારવું, માતા-પિતા, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર નાગરિક તૈયાર કરવો. ભારતના પ્રાચીનતમ પુસ્તકાલયો, વિદ્યાપીઠો નષ્ટ થવા છતાં ભારતીય જ્ઞાન-વિજ્ઞાનને ગુરુજનોએ સંરક્ષિત કર્યું, સંવર્ધિત કર્યું. ગુરુકુળ પરંપરાએ ભારતની શિક્ષણ પ્રણાલીને સુરક્ષિત રાખી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં માતૃભાષામાં શિક્ષણ, સ્વાવલંબન માટેનું શિક્ષણ, સ્વરોજગાર અને સ્ટાર્ટઅપ માટેનું પ્રશિક્ષણ, વોકેશનલ પ્રોગ્રામ્સ અને ભારતીય મૂલ્યોના સમન્વય અને સંસ્કાર સિંચનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભારતની વર્તમાન અને આવનારી પેઢી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને નવી શિક્ષણ નીતિના અમલ બદલ કાયમ યાદ રાખશે. શિક્ષણનું લક્ષ્ય જીવનનો સર્વાંગી વિકાસ છે, વ્યક્તિત્વને પૂર્ણ નિખારવું, માતા-પિતા, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર નાગરિક તૈયાર કરવો તે પણ શિક્ષણનું લક્ષ્ય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગૂજરાત વિદ્યાપીઠ અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં આયોજિત ‘જ્ઞાનકુંભ-૨૦૨૪’ ના શુભારંભ પ્રસંગે રાજ્યપાલશ્રીએ શિક્ષણવિદો અને પ્રાદ્યાપકોને સંબોધન કરતાં વધુમાં જણાવ્યું કે, પરા અને અપરા વિદ્યા એટલે કે ભૌતિક અને પારલૌકીક વિદ્યા, બંને પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરવાનો મહિમા વેદોમાં ગવાયો છે. શિક્ષણ માનવીને વિમુક્ત કરે છે. ભૌતિક, દૈવિક અને આધ્યાત્મિક દુઃખોથી મુક્ત કરે તે સાચું શિક્ષણ છે.
રાજ્યપાલએ પ્રાચીનતમ ગુરુકુળ પરંપરાના ઇતિહાસની વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે જણાવ્યું કે, એક સમયે ભારતમાં કોઈ પણ વ્યક્તિ અભણ કે અશિક્ષિત ન હતો, તેનું કારણ તત્કાલીન ગુરુકુળ પરંપરા હતી. મુઘલો અને આક્રાંતાઓએ આવીને ભારતની શિક્ષણ પ્રણાલીને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય મહાવિદ્યાલયોના પુસ્તકાલયો અને વિદ્યાપીઠોને સળગાવ્યા. અંગ્રેજોએ આવીને ભારતની ગુરુકુળ શિક્ષણ પ્રણાલી ઉપર કુઠારાઘાત કર્યો. પરિણામે ગુરુકુળ શિક્ષણ પરંપરા વિસરાતી ગઈ.
તેમણે કહ્યું કે, ગુરુકુળ વિદ્યાર્થીને પ્રકૃતિ અને પર્યાવરણના સાંનિધ્યમાં રાખીને શિક્ષણ આપે છે. ગુરુકુળનો વિદ્યાર્થી નદી, પહાડ, વૃક્ષો, વનસ્પતિ જેવા પ્રાકૃતિક તત્વોનું મહત્વ સમજે છે. આથી વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવવાના પાઠ અલગથી ભણાવવા પડતા નથી.
રાજ્યપાલએ ગુરુશિષ્ય પરંપરા અને શિક્ષકોનું મહત્વ સમજાવતાં કહ્યું કે, ભારતના પ્રાચીનતમ પુસ્તકાલયો, વિદ્યાપીઠો નષ્ટ થવા છતાં ભારતીય જ્ઞાન-વિજ્ઞાનને ગુરુજનોએ સંરક્ષિત કર્યું, સંવર્ધિત કર્યું. ગુરુકુળ પરંપરાએ ભારતની શિક્ષણ પ્રણાલીને બચાવી રાખી છે. ભારતમાં આવી ગુરુકુળ પરંપરાને પુનઃ જીવંત કરવામાં દીનાનાથ બત્રા જેવા શિક્ષાવિદોના યોગદાનનો ઉલ્લેખ રાજ્યપાલશ્રીએ કર્યો હતો. દીનાનાથ બત્રાજી સાથેના પોતાના સંસ્મરણોને પણ રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે યાદ કર્યા હતા.
શિક્ષણ વ્યવસ્થામાં ભારતીય મૂલ્ય-સંસ્કારોને અનન્ય સ્થાન અપાવવા માટે કાર્ય કરવા બદલ તેમજ નવી શિક્ષણનીતિ તૈયાર કરવામાં અતુલ્ય યોગદાન આપવા બદલ શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસની પ્રશંસા રાજ્યપાલશ્રીએ કરી હતી.