ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરની મહિલાએ નદીમાં મોતની છલાંગ લગાવી હતી જોકે સ્થાનિક નાવિકોએ મહિલાનો જીવ બચાવી તેને સુરક્ષિત બહાર કાઢી હતી
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજ રોજ ફરી એકવાર મહિલાએ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી જીવન ટૂકાવવાનો પ્રયાસ કર્યો હતો.દિવાળીના તહેવાર સમયે એક મહિલા નર્મદા મૈયા બ્રીજના અંકલેશ્વર તરફના છેડે પહોંચી હતી અને ત્યાંથી બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આ દ્રશ્યો સ્થાનિક નાવિકોએ જોતા મહિલાનો જીવ બચાવ્યો હતો અને તેને સુરક્ષિત નદીમાંથી બહાર કાઢી હતી. બનાવની જાણ થવાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. મહિલા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ગોલ્ડન પોઇન્ટ ખાતે રહેતી ઉર્મિલા કરણસિંહ રાણા હોવાનું જાણવા મળ્યું છે મહિલાએ પારિવારિક કારણોસર અંતિમવાદી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે પરંતુ આ મામલે બી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.