INTERNATIONAL

Gen-Zએ બે દિવસમાં સરકાર ઉથલાવી નાંખી, PMનું રાજીનામું, સંસદ અને રાષ્ટ્રપતિનું ઘર સળગાવ્યું

નેપાળના કાઠમંડુમાં ગઈકાલે શરૂ થયેલું Gen Z આંદોલન વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ગઈકાલે  20 આંદોલનકારીઓના મોત બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર તથા કેબિનેટ મંત્રીઓ સહિતના નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના કારણે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. નેપાળની સેનાએ પણ સરકારને અલ્ટિમેટમ આપી દેતા વડાપ્રધાને રાજીનામું આપ્યું છે.

આજે મોટી સંખ્યામાં યુવાનોએ નેપાળના માહિતી સંચાર મંત્રીના નિવાસ સ્થાનને આગ ચાંપી હતી. નવ મંત્રીઓએ રાજીનામું આપી દીધુ છે. એવું કહેવાય છે કે, બાંગ્લાદેશની શેખ હસીનાની સરકારને તોડી પાડવા અપનાવવામાં આવેલી મોડસ ઓપરેન્ડી નેપાળમાં પણ અજમાવાઈ છે. નેપાળમાં મોટાભાગના વિસ્તારોમાં કરફ્યુ હોવા છતાં આંદોલનકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપનારા અને તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા માહિતી સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરૂંગના ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી હતી. ઘટના બાદ પોલીસ તુરંત ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ બૂઝાવવાનો અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. આ આંદોલન સતત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલના ઘરે પણ આગ ચાંપી હતી. જ્યારે પૂર્વ ડેપ્યુટી પીએમ રઘુવીર મહાસેઠના જનકપુર સ્થિત ઘર પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કર્યો હતો.

ભારે વિદ્રોહ અને અનેક નેતાઓના ઘરમાં આગચંપી બાદ નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીનું રાજીનામું 

નેપાળમાં એક બાદ એક અનેક નેતાઓના રાજીનામાં 

નેપાળમાં વિવિધ સાંસદો, કેબિનેટ મંત્રીઓ અને મુખ્યમંત્રી એક બાદ એક રાજીનામાં આપી રહ્યા છે

નેપાળની સેનાએ વડાપ્રધાનને રાજીનામું આપવા સલાહ આપી 

સતત વધતી હિંસાના કારણે નેપાળની સેનાના પ્રમુખ જનરલ અશોક રાજ સિગ્દેલે વડાપ્રધાન ઓલીને રાજીનામું આપવા સલાહ આપી છે. સેનાએ કહ્યું છે કે તેઓ સત્તા નહીં છોડે ત્યાં સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી શકે તેમ નથી.

  • આંદોલનકારીઓએ ગૃહમંત્રી રમેશ લેખકના ઘરમાં તોડફોડ કરી આગચંપી
  • કીર્તિપુર નગરપાલિકા ભવનને આગ ચાંપી
  • નેપાળના કોંગ્રેસ અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા શેર બહાદુર દેઉવાના ઘરમાં આગચંપી, અનેક વાહનો તોડ્યા
  • વડાપ્રધાન કેપી શર્મા ઓલી દુબઈ ભાગી જવાની તૈયારીમાં, હિમાલય એરલાઈન્સને સ્ટેન્ડબાય રહેવા આદેશ
  • ઓલીના પક્ષના નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન રઘુવીર મહાસેઠના ઘરે પથ્થરમારો
  • લાલિતપુરમાં સીપીએન માઓવાદી અધ્યક્ષ પુષ્પ કમલ દહાલના નિવાસ પર હુમલો અને આગચંપી
  • ગૃહમંત્રી, કૃષિ મંત્રી, સ્વાસ્થ્ય મંત્રી સહિત કુલ નવ મંત્રીઓએ આપ્યા રાજીનામા

    યુવાનોએ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના અંગત નિવાસ સ્થાન પર કબજો કર્યો હતો. ભીડે ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી બાદમાં આગ લગાવી દીધી હતી. પોલીસ અને સુરક્ષા દળ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ આ ભીડ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.

    કાઠમંડુમાં દેખાવો સતત ઉગ્ર થઈ રહ્યા છે. વિરોધ પ્રદર્શનકારીઓ શાસક પક્ષ નેપાળી કોંગ્રેસના કાર્યાલયમાં આગચંપી હતી. બીજી તરફ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના 21 સાંસદોએ સામૂહિક ધોરણે રાજીનામું આપી દીધું છે.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચારને લઈને Gen-Z  દેખાવકારોએ મંત્રીઓના નિવાસસ્થાનોને નિશાન બનાવી રહ્યા છે. સરકારી નિવાસસ્થાનો પર પથ્થરમારો કરી આગચંપી રહ્યા છે. આ ઉપરાંત નેતાઓના ઘરો પર પણ કબજો કરી રહ્યા છે. Gen-Z  દેખાવકારોએ નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલના ઘરને પણ છોડ્યું નહીં. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ રહ્યો છે, જેમાં રાષ્ટ્રપતિના અંગત નિવાસસ્થાનમાંથી આગ લગાવી દીધી છે.

    નેપાળમાં થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને હિંસાની વચ્ચે, મંત્રીઓ પર હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. દેખાવકારોએ કાઠમંડુમાં નેપાળના ડેપ્યુટી PM અને નાણા મંત્રી બિષ્ણુ પ્રસાદ પૌડેલને દોડાવી-દોડાવીને માર્યો.જેને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

    ભારતના વિદેશ મંત્રાલયે નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં એડવાઈઝરી જાહેર કરી છે. નેપાળમાં સ્થિત ભારતીયોને સાવચેતીના પગલાં લેવા તેમજ સરકારના આદેશોનું પાલન કરવા સૂચન કર્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અમે નેપાળની પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છીએ. ઘણા યુવાનોએ આ આંદોલનમાં જીવ ગુમાવ્યા છે, તેનું અમને દુઃખ છે. અમને આશા છે કે, તમામ માગનો શાંતિથી ઉકેલ લાવવામાં આવે. ભારતીયોને વર્તમાન પરિસ્થિતિમાં સાવચેતી રાખવા સલાહ છે.

Back to top button
error: Content is protected !!