તા. ૩૦. ૦૯. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:સિંગવડની તોયણી પ્રાથમિક શાળાની માસુમ બાળકીના હત્યારા આચાર્યને ફાંસીની સજાની તેમજ મહિલાઓને અને બાળકીઓને સુરક્ષા આપવામાં સંપૂર્ણ નિષ્ફળ નિવડેલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના રાજીનામાની માગણી સાથેનું આવેદનપત્ર આજે સોમવારે મહિલા અધિકાર મંચ દ્વારા દાહોદ કલેકટરને આપવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોયણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-૧મા અભ્યાસ કરતી છ વર્ષીય માસુમ બાળકી સાથે તે જ શાળાના લંપટ આચાર્યએ દુષ્કર્મ કરવાનો પ્રયાસ નિષ્ફળ જતા મોઢું દબાવીને બાળકીની નિર્મમ હત્યા કર્યાના સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કરતા શર્મસાર બનાવના પગલે પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. પોલીસે પણ આ કેસમાં અત્યંત સૂઝબુઝ ભરી સતર્કતા વાપરી ગુના ડિટેક્ટ કરવામાં માહિર એવા દાહોદ જિલ્લાના બાહોશ પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાની ચાણક્ય નીતિની ભરપૂર મદદ લઈ હત્યારા આચાર્યને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી કોર્ટમાં બબ્બે વાર રજૂ કરી બબ્બે વાર રિમાન્ડ મેળવી પોતાની ફરજ નૈતિકતાપૂર્વક અદા કરી છે. રાજકીય પક્ષોના નેતાઓ પણ મૃત બાળકીના પરિવારજનોને સાંત્વના આપવા તેના ઘર સુધી દોડી ગયા હતા. અને હત્યારા આચાર્યને ફાંસી આપવાની માગણી સાથે મૃત બાળકીના પરિવારજનોને ન્યાય આપવાની માગણી કરી સાંત્વના પાઠવી હતી. ત્યારે મોડે મોડે પણ મૃત બાળકીના ઘરથી માત્ર બે થી અઢી કિલો મીટર દૂર રહેતા દાહોદના સાંસદ પણ પોતાના કાર્યકરોના કાફલા સાથે મૃત બાળકીના ઘરે દોડી ગયા હતા. અને બાળકીના પરિવારજનોને સાંત્વના આપી પોતાની ફરજ અદા કરી હતી. છ વર્ષીય મૃત બાળકીના હત્યારાને ફાંસી આપવાની માગણી સાથે જિલ્લા કલેકટરથી લઈ જિલ્લા પોલીસવડા સુધીના ટોચના અધિકારીઓને કેટલાય આવેદનપત્રો આપવામાં આવ્યા છે. ત્યારે આજે સોમવારે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલ મહિલા અધિકાર મંચની બહેનોએ મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર ડો. મિતાલી સમોવાના નેતૃત્વ હેઠળ માસુમ બાળકીના હત્યારા આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે તેમ જ મહિલાઓ અને બાળકીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડેલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજીનામું આપે તેવી માગણીઓ સાથેનું એક આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ગુજરાતની મહિલાઓ અને બાળકીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ નિવડેલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી પદેથી તાત્કાલિક રાજીનામું આપે તેવી માગણી કરવામાં આવી છે. સાથે સાથે દાહોદની દીકરીની હત્યાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી દોષિત આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. બાળકોની જાતીય સતામણીના કેસોમાં ઝીરો ટોલરન્સ પોલીસી બનાવવાની, શાળામાંની પોક્સો કામગીરીને સરળ બનાવવાની સાથે સર્વ શાળાકીય કર્મચારીઓને બાળકોની જાતીય અને અન્ય સતામણી રોકવા બાબતેની તાલીમ આપવાની, શાળાઓ, કોલેજો સહિત તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓ તેમજ નિર્જન સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની તથા સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં નોકરી કરતી મહિલા કર્મચારીઓ સાથે અઘટિત વર્તન કે જાતીય સતામણીની અત્યાર સુધી આવેલી ફરિયાદોને હાઈ પ્રાયોરિટી આપી એનું ઝડપથી નિરાકરણ લાવવાની તેમજ દોષિત કર્મચારી અને અધિકારીઓને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરી તેઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માગણી કરવામાં આવી છે