વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા ,તા- 5 જુલાઈ : અદાણી ફાઉન્ડેશન, મુન્દ્રા દ્વારા દિવ્યાંગોની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા અને તેમને સ્વમાનભેર રોજગારીની તકો પૂરી પાડવા માટે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ભુજ ખાતે દિવ્યાંગો માટે સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી કીટ સહયોગ અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના 62 દિવ્યાંગોએ ભાગ લઈ, સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી સાહિત્ય અને માર્ગદર્શન મેળવ્યું.ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગો માટે વિવિધ વિભાગોમાં ખાસ ભરતીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ તકોનો લાભ લેવા માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગોને પરીક્ષાલક્ષી સાહિત્યની કીટ અને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ શિબિરમાં દિવ્યાંગોને પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું.કચ્છ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એન.એસ.ચૌહાણે જણાવ્યું, “અદાણી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલી કીટનો પૂરેપૂરો ઉપયોગ કરી, દિવ્યાંગોએ મહેનત સાથે તૈયારી કરવી જોઈએ જેથી તેઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકે.” ભુજના મામલતદાર એ.એન.શર્માએ ઉમેર્યું, “આવી તકો વારંવાર મળતી નથી. મળેલા સાહિત્યનો ભરપૂર ઉપયોગ કરી, દિવ્યાંગોએ સફળતા હાંસલ કરવા માટે પૂરી મહેનત કરવી જોઈએ.”અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે કહ્યું, “અદાણી ફાઉન્ડેશન દિવ્યાંગોના સ્વાવલંબન માટે હંમેશા સાથે છે. અમે ઇચ્છીએ છીએ કે દિવ્યાંગો આગળ વધે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી સ્વાવલંબી બને.” નવચેતન અંધજન મંડળના ટ્રસ્ટી હિમાંશુ સોમપુરાએ પણ દિવ્યાંગોને માર્ગદર્શન પૂરું પાડ્યું.અદાણી ફાઉન્ડેશનના સ્વાવલંબન પ્રોજેક્ટ હેઠળ દિવ્યાંગો માટે રોજગારીના સાધનો, ટ્રાયસાયકલ, વ્હીલચેર, ઇલેક્ટ્રિક સાયકલ, રોજગાર મેળાઓ અને મંગલ સેવા યોજના દ્વારા દીકરીઓને મામેરું જેવી વિવિધ સહાયો પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધી 3000થી વધુ દિવ્યાંગો આ યોજનાઓનો લાભ લઈ ચૂક્યા છે.અદાણી ફાઉન્ડેશન દિવ્યાંગોના ઉત્થાન અને સશક્તિકરણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.