સમીર પટેલ, ભરૂચ
નેશનલ હાઇવે નંબર 48 પર અંકલેશ્વર નજીક ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વર નજીક હાઇવે પર ચારથી 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કરતાં લાગી છે. અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક હાઇવેના બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટ્રાફિકજામના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે.
ટ્રાફિકજામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ત્યારે ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓએ વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવવા કવાયત શરૂ કરી છે.
આ અંગે ભરૂચ ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ.મહેરીયાએ જણાવ્યું હતું કે, અંકલેશ્વરની વાલીયા ચોકડી આગળ આમલાખાડીના ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પેચવર્કની કામગીરી ચાલી રહી છે. બંને લેન પર તબક્કાવાર સમારકામની કામગીરી કરવામાં આવશે જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે ટ્રાફિક નિયમન કરવા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આજે રાત સુધીમાં સમારકામની કામગીરી પૂર્ણ થઈ જશે ત્યારે આવતીકાલથી ટ્રાફિક પૂર્વક થાય એવી શક્યતા છે.