14 વર્ષ બાદ કેદીને મળી મુક્તિ:ભરૂચ જેલમાંથી આજીવન કેદી નવીન પટેલને સરકારે આપી રાહત, પરિવારજનોમાં આનંદ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી નવીન ઝીણાભાઈ પટેલને આજે મુક્ત કરવામાં આવ્યા છે. કેદી ક્રમાંક 35359 તરીકે ઓળખાતા નવીન પટેલે જેલમાં 14 વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો.
જેલ અધિક્ષક વી.એમ. ચાવડાએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 473 હેઠળ આ મામલે પહેલ કરી હતી. તેમણે જેલ સલાહકાર સમિતિ અને સંબંધિત અધિકારીઓ પાસેથી અભિપ્રાય મેળવ્યો હતો. કેદીના ઉત્તમ વર્તનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી.
રાજ્ય સરકારે નવીન પટેલની બાકી રહેલી સજા માફ કરવાનો નિર્ણય લીધો હતો. જેલમાંથી મુક્ત થતાં જ તેમના પરિવારજનો અને સ્નેહીજનોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું. લાંબા સમય બાદ પરિવાર સાથે મિલન થતાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા. જેલ અધિક્ષકે નવીન પટેલને ભગવદ્ ગીતા ભેટ આપીને વિદાય કરી હતી. સાથે જ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.