વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા.૨૬: કચ્છ યુનિવર્સિટી ખાતે આઝાદીના ૧૦૦ વર્ષ બાદ ૨૦૪૭માં મારા સ્વપ્નનું વિકસિત ભારત, ભારતીય બંધારણના ગૌરવશાળી ૭૫ વર્ષ તથા એક રાષ્ટ્ર એક ચૂંટણી પર કચ્છના યુવાનોએ પોતાના વિચારો રજુ કર્યા. આ કાર્યક્રમ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ભુજ સંચાલિત યુથ પાર્લામેન્ટ કાર્યક્રમ (૨૦૨૪-૨૫) યોજવામાં આવ્યો હતો.
કાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં કચ્છની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાંથી પ્રથમ ત્રણને રોકડ પુરસ્કાર તથા અન્ય સાતને આશ્વાસન પુરસ્કાર આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કર્યા બાદ દેવાંશીબેન ગઢવી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જાણીતા લેખિકા રસિકબા કેશરિયાએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન વિશે એમના ૧૫૦મી જન્મ જયંતિને અનુલક્ષીને હરિવંશરાય બચ્ચનની કવિતાથી શરૂઆત કરીને સરદારના જીવનની તાદ્રશ્ય ઝાંખી કરાવી પ્રેરક સંબોધન કર્યું હતું. કચ્છ યુનિવર્સીટીના ગુજરાતી વિભાગના ડીન અને પ્રોફેસર ડો. કાશ્મીરાબેન મહેતાએ વિકસિત ભારત અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશે તમારા માટે શું કર્યું એ જોવાને બદલે તમે ભારત માટે શું યોગદાન આપી શકો એવા સ્પષ્ટ વિચારો ટૂંકમાં રજુ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.કાર્યક્રમમાં રામ ગઢવી, નિર્મલ સેંઘાણી, ધનરાજ ગઢવી, વિજય શેઠ, રામભાઈ, હિતેશભાઈ કપૂર, બીનાબેન ભાનુશાલી, નંદલાલ છાંગા તથા ભાજપ મીડિયા સેલના નિલયભાઈ ત્રિવેદી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયક તરીકે ડો. ધ્રુવ પુરબીયા, રસિકબા કેશરીયા તથા રોનીક શાહએ સેવા આપી હતી.કચ્છના યુવાનો સહીત મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામની તિતિક્ષાબેન ઠક્કર દ્વારા ‘મારા સપનાનું વિકસિત ભારત ૨૦૪૭ : આઝાદીના ૧૦૦ વર્ષ બાદ’ વિષય પર પોતાના મંતવ્યો સચોટ રીતે રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે નિર્ણાયકોએ દસ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની પસંદગી કરી હતી. આ વિદ્યાર્થીઓ હવે રાજ્ય સરકાર દ્વારા આયોજિત યુથ પાર્લામેન્ટ કાર્યક્રમમાં ભાગ લેવા ગાંધીનગર ખાતે જશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શિવાનીબેન ઉમરાણીયાએ કર્યું હતું.