GUJARAT

પવિત્ર રમઝાન માસ પુર્ણ થયા બાદ આવતું રમઝાન ઇદનું પર્વ ઝઘડિયા તાલુકામાં પરંપરાગત ઉમંગથી મનાવાયું

પવિત્ર રમઝાન માસ પુર્ણ થયા બાદ આવતું રમઝાન ઇદનું પર્વ ઝઘડિયા તાલુકામાં પરંપરાગત ઉમંગથી મનાવાયું

 

ઝઘડિયા તા.૩૧ માર્ચ ‘૨૫

 

પવિત્ર રમઝાન માસની વિદાય બાદ આજે ઇદ ઉલ ફીત્રનું પર્વ સર્વ સ્થળોએ ઉત્સાહથી મનાવાયું હતું. ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ મુસ્લિમોએ ઇદ ઉલ ફીત્રનું પર્વ પરંપરાગત ઉમંગથી મનાવ્યું હતું. પવિત્ર રમઝાન માસ બાદ આવતો ઇદનો તહેવાર ખુશીનો તહેવાર ગણાય છે. આ ઇદને રમઝાન ઇદ પણ કહેવાય છે. પવિત્ર રમઝાન માસમાં એક મહિનાના રોજા (ઉપવાસ) રાખવામાં આવતા હોય છે,રમઝાન માસ પુર્ણ થતાં બીજા દિવસે ઇદ મનાવાય છે. રમઝાન માસનો છેલ્લો દિવસ પુરો થતાં ઇદનો ચાંદ દેખાતા બીજા દિવસે સવારે ઇદ મનાવાય છે. આજે ઇદના તહેવાર નિમિત્તે મુસ્લિમોએ મસ્જીદોમાં ઇદની ખાસ નમાજ અદા કરી હતી. ઇદની નમાજ બાદ મુસ્લિમ ભાઇઓ એકબીજાને ગળે મળીને ઇદની ખુશી મનાવતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે હિન્દુભાઇઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઇદની મુબારબાદ પાઠવી હતી. આજે ઇદનો તહેવાર ઝઘડિયા તાલુકાના ઝઘડિયા,સુલતાનપુરા, ઉમલ્લા,નર્મદા કાંઠા વિસ્તારના ભાલોદ તરસાલી વેલુગામ ઇન્દોર જેવા ગામો, રાજપારડી,વણાકપોર,રતનપોર, દધેડા,કપલસાડી સહિતના મુસ્લિમ વસતિ ધરાવતા ગામોએ કોમી એખલાશ ભર્યા વાતાવરણ વચ્ચે મનાવાયો હતો. ઇદના અગળના ચાર પાંચ દિવસો પુર્વે તાલુકાના ઝઘડિયા ઉમલ્લા રાજપારડી જેવા નગરોના બજારોમાં તૈયાર કપડા અને પગરખાની મોટાપ્રમાણમાં ખરીદી થતી જોવા મળી હતી. ઇદનો ચાંદ દેખાતા જ તાલુકાના મુસ્લિમ વિસ્તારોમાં ઇદની ઉજવણીનો ભવ્ય ઉમંગ જોવા મળ્યો હતો. ઇદનો ચાંદ દેખાયા બાદ મુસ્લિમોએ પરસ્પર એકબીજાને ઇદની મુબારકબાદ પાઠવી હતી,જ્યારે દુર રહેતા સંબંધીઓને ફોન દ્વારા ઇદમુબારક કહ્યા હતા. આમ ઝઘડિયા તાલુકામાં આજે રમઝાન ઇદનો તહેવાર પરંપરાગત ભવ્ય ઉમંગથી મનાવાયો હતો. તાલુકાના ચાર પોલીસ મથકો ઝઘડિયા ઉમલ્લા રાજપારડી અને જીઆઇડીસી પોલીસ મથકોના સ્ટાફ દ્વારા ઇદ નિમિત્તે સઘન બંદોબસ્ત જળવાયો હતો.

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!