રાજ્યના 3 હજાર 334 શિક્ષકોને ઉત્તવહીમાં ભૂલ બદલ દંડ ફટકારવામાં આવ્યો

અમદાવાદ: ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકન કાર્યમાં બેદરકારી દાખવનારા શિક્ષકો સામે શિક્ષણ બોર્ડે કાર્યવાહી કરી છે. ઉત્તરવહીના મૂલ્યાંકન દરમિયાન માર્ક્સ આપવામાં થયેલી ભૂલના આધારે રાજ્યના કુલ 3,334 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મૂલ્યાંકન કાર્ય દરમિયાન એક અથવા વધુ ગુણની ભૂલ કરનારા શિક્ષકો પાસેથી નિયમ મુજબ દંડ વસૂલવામાં આવશે. 1 ગુણની ભૂલ માટે ₹100ના હિસાબે દંડ નક્કી કરવામાં આવ્યો છે. ભૂલની સંખ્યા પ્રમાણે દંડની રકમમાં વધારો થશે.
અમદાવાદ જિલ્લામાં પણ ઉત્તરવહીના મૂલ્યાંકનમાં બેદરકારી દાખવનારા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં 229 શિક્ષકો પાસેથી ₹3 હજાર સુધીનો દંડ વસૂલવામાં આવશે. ઉત્તરવહી ચકાસતી વખતે વિદ્યાર્થીઓને યોગ્ય ગુણ ન આપવા અથવા ગુણમાં ભૂલ કરવા બદલ આ દંડની કાર્યવાહી કરાઈ છે.
માત્ર ગુણની ભૂલ કરનારા શિક્ષકો જ નહીં, પરંતુ બોર્ડના મૂલ્યાંકન કાર્યમાં હાજર ન રહેનારા શિક્ષકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં 289 શિક્ષકો મૂલ્યાંકન કાર્યમાં હાજર રહ્યા ન હતા, જેથી તેમને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.
બોર્ડની ઉત્તરવહીના મૂલ્યાંકનમાં શિક્ષકો દ્વારા કરાયેલી ભૂલને ગંભીરતાથી લેવામાં આવી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓના પરિણામ પર સીધી અસર કરતી માર્ક્સની ભૂલના આધારે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નિયમ મુજબ દરેક 1 ગુણની ભૂલ માટે ₹100નો દંડ વસૂલાશે. એટલે કે જેટલા ગુણની ભૂલ હશે, તે પ્રમાણે દંડની રકમ નક્કી થશે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ઉત્તરવહીના મૂલ્યાંકનમાં ચોકસાઈ જળવાય અને વિદ્યાર્થીઓને તેમના યોગ્ય ગુણ મળી રહે તે છે.




