અમદાવાદ યુવા કોંગ્રેસનું ‘નશા નહીં, નોકરી દો’ વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા હોદ્દેદારોની અટકાયત
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: યુવા બેરોજગારી અને રાજ્યમાં વધી રહેલા નશાના પ્રવાહ સામે યુવા કોંગ્રેસે ‘નશા નહીં, નોકરી દો’ કાર્યક્રમ હેઠળ વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન યુવા કોંગ્રેસના અનેક હોદ્દેદારોની અટકાયત કરવામાં આવી.
‘બેરોજગારીથી યુવાનો આત્મહત્યા કરવા મજબૂર’ – યુવા કોંગ્રેસ
વિરોધ પ્રદર્શન દરમિયાન અમદાવાદ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહ ગુર્જરે આક્ષેપ કર્યો કે આજે ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ છે. યુવાનો માટે નોકરીઓની તકો ઘટી રહી છે, જેના કારણે અનેક યુવાનો હતાશ થઈને આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યા છે.
વિશાલસિંહ ગુર્જરે વધુમાં જણાવ્યું કે, “ગુજરાતમાં 50 કરોડ કરતા વધુના ડ્રગ્સ પકડાઈ ચૂક્યા છે. રાજ્યના દરેક ખૂણામાં નશીલા પદાર્થો અને દારૂ સરળતાથી ઉપલબ્ધ છે. યુવાનો માટે નોકરીઓનું સર્જન કરવા બદલ સરકાર નશાના રવાડે ચઢાવવાનું કામ કરી રહી છે, જે ગુજરાત અને દેશના ભવિષ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે.”
ભાજપ સરકાર પર આરોપ, યુવા કોંગ્રેસના સંઘર્ષની ચેતવણી
યુવા કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો કે, “ગુજરાતમાં યુવાનો પાસે ડિગ્રી તો છે, પણ નોકરી નથી. સરકાર યુવાનોને રોજગાર પૂરું પાડવાની જવાબદારી ભુલી ગઈ છે. બેરોજગારી વધવાથી યુવાઓ ગુનો અને નશાની ચપેટમાં આવી રહ્યા છે.”
વિરોધ પ્રદર્શન દરમિયાન ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી પ્રવીણસિંહ વણોલ, ડૉ. ઉપેન્દ્રસિંહ જાડેજા, અમદાવાદ શહેર યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જયમન શર્મા, ઈમરાન શેઠજી સહિતના યુવા કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા.
પોલીસ દ્વારા અટકાયત, યુવા કોંગ્રેસનો આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ
વિરોધ દરમિયાન પોલીસ દળોએ કાર્યવાહી કરીને યુવા કોંગ્રેસના હોદ્દેદારોની અટકાયત કરી. યુવા કોંગ્રેસે સરકારને ચેતવણી આપી કે જો બેરોજગારીની સમસ્યા નહીં ઉકેલાય, તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.