ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરમાં ચર્ચા કરવાની ચેલેન્જને હું સ્વીકારું છું: ગોપાલ ઇટાલીયા
પશ્ચિમી દેશોમાં ખુલ્લા મંચ પર નેતાઓ ડિબેટ કરતા હોય છે, એવું ગુજરાતમાં પણ થાય એવું ગુજરાતની જનતા પણ ઈચ્છે છે: ગોપાલ ઇટાલીયા
ગૃહમંત્રી ચેનલ, એન્કર, જગ્યા, તારીખ, સમય અને ઓડિયન્સ નક્કી કરે, હું જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છું: ગોપાલ ઇટાલીયા
અમદાવાદ
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને ગુજરાત ચૂંટણી પ્રભારી ગોપાલ ઇટાલીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર એક એલાન કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં ઝી 24 કલાક ગુજરાતી ચેનલ પર ઇન્ટરવ્યૂમાં એન્કર દ્વારા આપને સવાલ પૂછવામાં આવ્યું કે તમે ઓછું ભણેલા આઠ પાસ મંત્રી છો, એવા આરોપ પર તમે શું કહેશો? તેના જવાબમાં આપે (ગૃહમંત્રી હર્ષ સંઘવીએ) જણાવ્યું હતું કે “હું (હર્ષ સંઘવી) ભલે ઓછું ભણેલો છું પરંતુ રોજ નવું શીખું છું અને આઇએએસ અધિકારીઓ પાસેથી હું શીખું છું.” આવો જવાબ આપીને તમે મીડિયાના મંચ પરથી વિરોધીઓને ચેલેન્જ મારતા કહ્યું હતું કે “વિરોધીઓ સાથે ખુલ્લા મંચ પર કોઈ પણ વિષય અંગે ચર્ચા કરવા માટે હું ચેલેન્જ આપું છું.” આ ચેલેન્જને હું, ગોપાલ ઇટાલીયા સ્વીકારું છું.
તમારી સાથે જાહેરમાં ચર્ચા કરવા માટે તૈયાર છું. તમે જે સરકારમાં જે મંત્રાલય સંભાળો છો, તે જ મંત્રાલય સાથે જોડાયેલા નીચેના વિષય અંગે જાહેરમાં ચર્ચા કરવા માટે હું તમારી ચેલેન્જને સ્વીકારું છું. 1. પોલીસ સુધારણા, 2. કાયદો અને વ્યવસ્થા, 3. બંધારણ અને લોકશાહી, 4. દારૂબંધી ડ્રગ્સ અને કાયદો, 5. તાલુકા અને જિલ્લા અદાલતમાં ન્યાય વ્યવસ્થા, 6. જી.આર.ડી, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ વિશે. હું જાહેરમાં ચર્ચા કરવા માટે તૈયાર છું અને ગુજરાત પણ તૈયાર છે. જે રીતે પશ્ચિમી દેશોમાં ખુલ્લા મંચ પર નેતાઓ ડિબેટ કરતા હોય છે, એવું ગુજરાતમાં પણ થાય એવું ગુજરાતની જનતા પણ ઈચ્છે છે.
માટે હું આપને કહેવા માગું છું કે ચેનલ, એન્કર, જગ્યા, તારીખ, સમય અને ઓડિયન્સ તમામ વસ્તુ તમે નક્કી કરો અને તમે પૂરી તૈયારી સાથે વાંચીને અને લખીને આવી શકો છો. ત્યારબાદ આપણે બંને જાહેર મંચ પર ગુજરાતના લોકોને જાણકારી મળે અને સમજવામાં મળે એ રીતની ખુલી ચર્ચા કરીશું. આપણે પુરા માન સન્માન સાથે આ ચર્ચા કરીશું.હું ગૃહમંત્રીના જવાબનો રાહ જોઇશ કારણ કે જ્યારે પણ કોઈ ગૃહ મંત્રી કક્ષાના કોઈ મંત્રી એક ઇન્ટરવ્યૂમાં જાહેરમાં બે શબ્દો બોલે છે તો તે બે શબ્દોની પણ કિંમત હોય છે. ગૃહમંત્રીના ચેલેન્જ આપ્યા બાદ જો તેઓ આ ખુલી ચર્ચામાં ભાગ નહીં લે તો ગુજરાતની જનતા સમજશે કે ગૃહ મંત્રી ફાંકા ફોજદારી કરે છે.