અમદાવાદ જિલ્લામાં મેલેરિયા મુકિત માટે આરોગ્ય વિભાગનો સંકલ્પ — 2025માં એકપણ કેસ નહીં નોંધાવાની નોંધપાત્ર સિદ્ધિ, 2030 સુધી સંપૂર્ણ મુક્તિનો લક્ષ્યાંક
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ અને મેલેરિયા શાખા દ્વારા જહેમતભર્યા પ્રયાસોના પરિણામે જિલ્લા મેલેરિયામુક્તિ તરફ દ્રઢપણે આગળ વધી રહ્યો છે. વાહકજન્ય રોગચાળાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા જિલ્લામાં વર્ષ 2025માં અત્યાર સુધીમાં મેલેરિયાનો એકપણ કેસ નોંધાયો નથી, જે સમગ્ર આરોગ્ય તંત્ર માટે નોંધપાત્ર સિદ્ધિ છે.
અત્યાર સુધીના આંકડાઓ અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં મેલેરિયાના કેસોમાં સતત ઘટાડો થયો છે. વર્ષ 2019માં 58 કેસ સામે વર્ષ 2020માં 20, 2021માં 5, 2022માં 5, 2023માં 2 અને 2024માં 6 કેસ નોંધાયા હતા. આમ, 2021થી તમામ વર્ષોમાં મેલેરિયાના કેસ સિંગલ ડિજિટમાં જ રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, છેલ્લા પાંચ વર્ષમાં મેલેરિયા કે ડેન્ગ્યુના કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી.
જિલ્લા કલેક્ટર સુજિત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર અને જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ મેલેરિયા નાબૂદી માટે વિશેષ એક્શન પ્લાન અમલમાં મુકાયો છે. આ એક્શન પ્લાન અંતર્ગત શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય કેન્દ્રો દ્વારા સમન્વિત પ્રયાસો ચાલી રહ્યાં છે.
વિશેષત્વે, 2027 સુધી સમગ્ર જિલ્લામાં મેલેરિયાના 0 કેસ નોંધાવાનું લક્ષ્યાંક નક્કી કરાયું છે. આ માટે વિવિધ વિસ્તારોમાં હાઈ-રિસ્ક વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારોમાં સર્વેલન્સ, પોરાનાશક પ્રવૃત્તિઓ, ફોગિંગ, સામૂહિક સફાઈ અને જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આગામી ત્રણ વર્ષમાં જિલ્લાને સંપૂર્ણ મેલેરિયામુક્ત બનાવવા માટે આરોગ્ય વિભાગે વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મચ્છર ઉત્પત્તિ નાબૂદ કરવા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ
જિલ્લામાં ટ્રાન્સમિશન સિઝન પહેલાં દરેક ગામમાં મહિને બે રાઉન્ડના આધારે છ રાઉન્ડનું સર્વેલન્સ અને પોરાનાશક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. મચ્છર ઉત્પત્તિના મુખ્ય સ્થાનો – જેમ કે ટાયર રિપેરીંગ દુકાનો, જી.આઇ.ડી.સી. વિસ્તારો, એસ.ટી. ડેપો, શાળાઓ અને સરકારી સંસ્થાઓમાં નિયમિત ચકાસણી કરવામાં આવે છે.
પ્રાઇવેટ હોસ્પિટલ અને લેબોરેટરીઓની પણ સતત મુલાકાત લેવામાં આવે છે, જેથી વાસ્તવિક રોગચાળાની સ્થિતિની સમજ મળી રહે. દરેક કેસના પગલે તાત્કાલિક રોગ અટકાવ પગલાં લેવામાં આવે છે.
AI આધારિત ડ્રોન ટેકનોલોજીથી મચ્છર ઉદ્ભવ સ્થાનોનું મોનિટરિંગ
2024થી અમલમાં મુકાયેલા નવીન પ્રોજેક્ટ અંતર્ગત ચાંગોદર GIDC અને સાણંદ GIDCના વિસ્તાર — સનાથલ, નવાપુરા, ચાંગોદર, મોરૈયા, વાસણા, બોળ, શિયાવાડા અને છારોડીમાં AI આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છર ઉત્પત્તિ વિસ્તારોની ઓળખ કરી લાર્વીસાઇડ છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ નવી ટેકનોલોજી આરોગ્ય વિભાગને ઝડપથી અને વિસ્તૃત રીતે કામગીરી કરવાની મદદરરૂપ બની છે.
લક્ષ્યાંક: 2030 સુધી મેલેરિયામુક્ત જિલ્લા તરીકે ઓળખ મેળવી લેવી
દૂરસૂચના, જાગૃતિ કાર્યક્રમો, શિક્ષિત વિલેજ હેલ્થ વર્કર્સ, ઈન્ટર-ડિપાર્ટમેન્ટલ સહયોગ, હાઈ-રિસ્ક વિસ્તારો પર ખાસ નજર તથા વિવિધ સ્તરે શિસ્તબદ્ધ આયોજનથી આરોગ્ય વિભાગ 2030 સુધી સમગ્ર જિલ્લામાં મેલેરિયામુક્તિ લક્ષ્યાંક હાંસલ કરવા દ્રઢસંકલ્પિત છે.
જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, “મેલેરિયાની શકયતાઓને શૂન્ય સુધી લાવવું એ માત્ર આરોગ્ય વિભાગનું નહીં પણ સમગ્ર સમાજનું ધ્યેય હોવું જોઈએ. જાગૃતિ, સ્વચ્છતા અને સરકારી યોજનાઓમાં સહભાગીદારીથી જ આ લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે.”
આ રાષ્ટ્રીય લક્ષ્યાંકોની Siddhi માટે ગુજરાતના આરોગ્ય તંત્રનો આ મોરચાબંધી દ્રષ્ટિકોણ દેશભરમાં માટે પણ એક મોડેલ રૂપ સાબિત થઈ શકે છે.