
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની નસીબ સોસાયટીમાં અંગત અદાવતને પગલે એક હિન્દુ યુવકની છરીના ઘા ઝીંકી કરણપીણ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અગાઉ બનેલી કિશન ભરવાડની હત્યાના કિસ્સા બાદ આ બીજી એવી ઘટના છે જેના કારણે સ્થાનિક હિન્દુ સંગઠનો અને રહીશોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ધંધુકામાં બે બાઈકચાલકો વચ્ચે ઓવરટેક કરવાની સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી, જે ઉગ્ર બની હતી. આ દરમિયાન રિઝવાન નામના યુવકે ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા કરી. આ ઘટનાને પગલે બે કોમના લોકો સામસામે આવી જતાં પરિસ્થિતિ અતિશય તંગ બની ગઈ હતી. ટોળાઓએ રસ્તે ઉતરીને દુકાનો અને વાહનોને આગ ચાંપી હતી, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થિતિ વણસતી જોઈને જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ધંધુકામાં કર્ફ્યુ જાહેર કરાયો છે. મળતી માહિતી અનુસાર, પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 25 લોકોની અટકાયત કરવામાં આવી છે. મૃતકના મૃતદેહને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો છે. તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે શહેરમાં લારીઓ અને દુકાનો બંધ કરાવવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળાઓએ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદમાં હિંસક વળાંકમાં ફેરવાયું હતું. ધંધુકાના પાળીયાદ રોડ અને મુખ્ય સર્કલ પાસે ઉશ્કેરાયેલા ટોળાઓ દ્વારા વાહનો અને કેટલીક દુકાનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી અને ભારેલા અગ્નિ જેવો માહોલ નિર્માણ પામ્યો હતો. અચાનક ફાટી નીકળેલી આ હિંસાને કારણે સ્થાનિક બજારો ટપોટપ બંધ થઈ ગયા હતા અને લોકોમાં ભય તથા અસુરક્ષાનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ સુરક્ષાના ભાગરૂપે પોતાના ઘરોમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.
ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ જિલ્લા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ધંધુકા પહોંચી ગયો હતો. રેન્જ IG, SP, અમદાવાદ ગ્રામ્ય એસપી, ધંધુકા DySP, પોલીસ કર્મીઓ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ એસપી (SP) એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરી છે જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
કેટલીક દુકાનોમાં પણ આગચંપી કરવામાં આવી છે. આગ પર કાબૂ મેળવવા માટે બાવળા, બગોદરા, ધોળકા અને ધોલેરામાંથી ફાયર વિભાગની ટીમો બોલાવવામાં આવી છે.







