કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે આપ્યું રાજીનામું
ગુજરાતમાં આજે વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા છે. કોંગ્રેસને બેમાંથી એકેય બેઠક પર સફળતા ન મળતા શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પક્ષ નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરે ત્યાં સુધી હાલ પૂરતી જવાબદારી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને સોંપવામાં આવી છે.
શક્તિસિંહ ગોહિલે રાજીનામાં બાદ કહ્યું, છે કે ‘હું કોંગ્રેસ પાર્ટીનો સિપાહી છું, આજે કડી અને વિસાવદરમાં અમને સફળતા નથી મળી. મને સતત મદદ કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી, વેણુગોપાલ અને મુકુલ વાસનીકનો આભાર વ્યક્ત કરું છું. રાજીવજી અને સોનિયાજીએ આપેલું માર્ગદર્શન મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. પેટાચૂંટણીમાં પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારી મેં ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. હું હંમેશા કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરતો રહીશ.’