સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચોમાસું જોરદાર જામ્યું છે, તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. આગામી 7 દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે ઓફસૉર ટ્રફ અને શિયરઝોન સક્રિય થતાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આગામી પાંચ દિવસ માછીમારો દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદયપુર અતિ ભારે વરસાદની આગાહી કરાઈ જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે વડોદરા અને છોટા ઉદયપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, નર્મદા, ભરૂચ, મહીસાગર દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.