શહેરાના ઉંમરપુરના ડૉ. પ્રેમિલાબા પરમારને સુવર્ણચંદ્રક એનાયત કરાયો

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા તાલુકાના ઉંમરપુર ગામના ડૉ. પ્રેમિલાબા સુરેશસિંહ પરમારે શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરીને ગામ અને ક્ષત્રિય દરબાર સમાજનું ગૌરવ વધાર્યું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા ૨૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ યોજાયેલા સમારોહમાં તેમને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
ડૉ. પ્રેમિલાબાએ શિક્ષણ વિભાગમાં એમ.ફિલ.ની ડિગ્રી પ્રથમ પ્રયત્ને, પ્રથમ વર્ગમાં યુનિવર્સિટી કક્ષાએ સર્વોચ્ચ ગુણ સાથે ઉત્તીર્ણ કરીને આ “હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક” પ્રાપ્ત કર્યો છે. આ ગૌરવપૂર્ણ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી, કુલપતિ ડૉ. કિશોર સી. પોરિયા, રજિસ્ટ્રાર ડૉ. રોહિતકુમાર એન. દેસાઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. પ્રેમિલાબા સુરેશસિંહ પરમારને યુનિવર્સિટી કક્ષાએ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થવા બદલ શહેરા તાલુકા તેમજ ક્ષત્રિય દરબાર સમાજના અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમની આ નોંધપાત્ર શૈક્ષણિક સિદ્ધિ બદલ ઉંમરપુર ગામનું નામ રોશન કરવા બદલ સૌએ શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.







