
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ, તા.18 જૂન : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ જિલ્લા દ્વારા TET મુક્તિ મુદ્દે ભુજ ખાતે ધરણા અને આવેદન કાર્યક્રમ યોજાયો હતો. સરસ્વતી શિશુ મંદિર, ભુજ ખાતે યોજાયેલી સભા બાદ શિક્ષકોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ વર્ષ 2011 પહેલાં નિમણૂક પામેલા પ્રાથમિક શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવતા રાજ્યના આશરે 75 હજાર શિક્ષકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. તે સમયે પ્રચલિત લાયકાતોના આધારે નિમણૂક મેળવેલા શિક્ષકો માટે વર્ષો બાદ TET ફરજિયાત બનાવવાનો નિર્ણય શિક્ષક હિતને અસર કરતો હોવાનું મહાસંઘે જણાવ્યું હતું.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતોના સંરક્ષણ માટે સમગ્ર રાજ્યમાં 18 જૂને જિલ્લા મુખ્યાલયોએ ધરણા કાર્યક્રમો યોજાયા હતા. તેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષકોએ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. કલેક્ટર મારફતે દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય શિક્ષણમંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન સુધી શિક્ષકોની લાગણી અને માંગણીઓ પહોંચાડવા રજૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના તમામ 10 તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મહાસંઘના જિલ્લા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા, મહામંત્રી મયૂરભાઈ પટેલ, સંગઠન મંત્રી રમેશભાઈ મઢવી, પ્રાંત ઉપાધ્યક્ષ મુરજીભાઈ ગઢવી, રાજ્ય પ્રતિનિધિ રામસંગજી જાડેજા, HTAT સંવર્ગ પ્રાંતમંત્રી અમરાભાઈ રબારી, સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ, સૌરાષ્ટ્ર સંભાગ મહિલા સંગઠન મંત્રી રાખીબેન રાઠોડ, પ્રાંત સહસંગઠન મંત્રી અને કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, સરકારી માધ્યમિક અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રાથમિક ગ્રાન્ટેડ ઉપાધ્યક્ષ મનુભા સોઢા, જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ દક્ષાબેન રાણીપા, મહિલા સહમંત્રી બીનાકાબેન ગોસ્વામી સહિત જિલ્લાના વિવિધ તાલુકા અને નગર એકમોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.મહાસંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે શિક્ષકોના હિતોના રક્ષણ માટે સંગઠન સતત પ્રયત્નશીલ રહેશે અને પ્રશ્નના યોગ્ય નિરાકરણ માટે સરકાર દ્વારા જરૂરી હસ્તક્ષેપ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






