GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના સુરેલી ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો: સરકારી જમીનો પર દબાણ અને ગ્રાન્ટના કામોમાં ગેરરીતિ મુદ્દે કલેક્ટરને આવેદન

તારીખ ૧૦/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના સુરેલી ગામના રહીશ અને અરજદાર પ્રવિણકુમાર દિલીપસિંહ પટેલ દ્વારા ગામમાં ચાલી રહેલી ગેરરીતિઓ, સરકારી જમીનો પરના દબાણો અને ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર અંગે કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

1. સરકારી જમીનો અને ગૌચરણ પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા માંગ

અરજદાર દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવેલી અરજી મુજબ, સુરેલી ગામના સરકારી ખરાબા, ગૌચરણની જમીન, જાહેર રસ્તા, તળાવ કિનારે, સ્મશાન તથા શેરીઓમાં આવેલા જૂના પગદંડી રસ્તાઓ પર મોટા પાયે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે.

સરપંચ દ્વારા આ દબાણો દૂર કરવાની કાયદેસરની સત્તા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને વારંવારની રજૂઆતો છતાં જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.

આ દબાણોના કારણે ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસવાની શક્યતા હોઈ, મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ, માપણી કરી દબાણો દૂર કરવા અને દબાણકારો સામે કાયદેસરના પગલાં ભરવા માંગ કરાઈ છે.

2. વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના આક્ષેપ

તલાટી કમ મંત્રી તથા સંબંધિત વિભાગોને કરેલી અન્ય એક રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ૧૫ વર્ષથી સુરેલી ગ્રામ પંચાયતમાં વિવિધ ગ્રાન્ટોમાંથી થયેલા વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.

ગામમાં થયેલા કામો અધૂરા અને હલકી ગુણવત્તાવાળા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જ્યાં સુધી જૂના કામોની સ્થળ તપાસ અને નિષ્પક્ષ તપાસ ન થાય ત્યાં સુધી કોઈ નવા કામોની મંજૂરી ન આપવા તેમજ જૂના વિવાદિત કામોના બિલ મંજૂર ન કરવા વિનંતી કરાઈ છે.

હાઈકોર્ટમાં જવાની ચીમકી: જો આ વિવાદિત સ્થળો પર કોઈ નવા કામો થશે કે નાણાકીય ચૂકવણું કરવામાં આવશે તો મામલો હાઈકોર્ટ સુધી લઈ જવાની ચીમકી આપવામાં આવી છે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે.3. સરકારી જમીનોનો સર્વે અને માહિતી આપવા માંગ અરજદારે કલેક્ટર કચેરી પાસે સુરેલી ગામના રેકોર્ડ મુજબના તમામ સરકારી ખરાબા, ગૌચરણ અને તળાવના સર્વે નંબર તથા ક્ષેત્રફળની વિગતો માંગી છે. સાથે જ, છેલ્લા ૧૫ વર્ષ દરમિયાન દબાણો દૂર કરવા માટે ગ્રામજનો કે પંચાયત દ્વારા કરાયેલી અરજીઓ અને તેના પર તંત્ર દ્વારા લેવાયેલા પગલાંનો અહેવાલ પણ પૂરો પાડવા માંગ કરી છે.આ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી, નાયબ કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ગ્રામ વિકાસ કમિશનર અને ગુજરાત વિઝીલન્સ વિભાગને પણ નકલ રવાના કરીને ત્વરિત તપાસની માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!