આંબા ઘાટા- દાંતા રસ્તા પર થયેલ લેન્ડ સ્લાઇડના કારણે બંધ થયેલ રસ્તાને યુદ્ધના ધોરણે રીપેર કરીને પુનઃશરૂ કરાયો
23 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
રાજ્ય માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરીને રોડને પૂર્વવત કરાયો
બનાસકાંઠાના દાંતા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૨૬ મી.લી એટલે કે ૮.૯૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ચોમાસુ ઋતુના પ્રથમ ભારે વરસાદને પગલે આંબા ઘાટા દાંતા રોડ પર લેન્ડ સ્લાઇડ થયું હતું જેના લીધે ચાર માર્ગીય રસ્તા પૈકી એક તરફનો રસ્તો બંધ થયેલ હતો.
વરસાદની સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ (R&B) બનાસકાંઠા દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. લેન્ડ સ્લાઈડના લીધે રસ્તા પર ભેગા થયેલ ડેબ્રિસને તાત્કાલિક હટાવવાની કામગીરી કરીને યુદ્ધના ધોરણે રસ્તાને પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો. રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદના સમયમાં અસુવિધા ન થાય તે માટે જરૂરી તકેદારીના પગલાંઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.